ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીભરી સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે ભારતે પાકિસ્તાનમાં ઘૂસી જઈને કરેલી એર સ્ટ્રાઈકનો સીધો રાજકીય ફાયદો ભાજપને મળતો દેખાઈ રહ્યો છે. જે પ્રકારે વડાપ્રધાન મોદીના નિવેદન આવ્યા અને ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘોબી પછાડ આપી છે તે જોતાં લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપને જબ્બર ફાયદો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે.
એર સ્ટ્રાઈક બાદ લોકો નોટબંધી, જીએસટી, મોંઘવારી જેવા મુદ્દાઓથી દુર થઈ ગયા છે. મોદી સરકારના નક્કર નિર્ણયને લોકો વધાવી રહ્યા છે. રોજગારી અને ખેડુતોની સમસ્યા હાંસીયામાં ધકેલાઈ ગઈ છે. ચૂંટણી વ્યૂહરચનાકારો એર સ્ટ્રાઈકને સીધી રીતે ભાજપ તરફે લોક જૂવાળ તરીકે જોઈ રહ્યા છે.
ગુજરાતની વાત કરીએ તો 2014નું રિપીટેશન થવાની શક્યતા વધી ગઈ છે. એન્ટી ઈનકમ્બનસી ફેક્ટરના કારણે ભાજપને સંપૂર્ણ બહુમતિ મળી રહી ન હોવાનું રાજકીય પંડિતો જણાવી રહ્યા હતા પરંતુ એર સ્ટ્રાઈક બાદ એ જ રાજકીય પંડિતો મોદી સરકાર બમ્પર ફાયદો થવાનું જણાવી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી એક રીતે વન સાઈડ ગેમ જેવી હાલ બની ગઈ છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોનું મહાગઠબંધન એર સ્ટ્રાઈક બાદ નામ પુરતું જ રહી જવા પામ્યું છે. કોંગ્રેસ પાસે હવે મોદી સરકારને ઘેરવા માટે રાફેલ મુદ્દો છે પરંતુ વર્તમાન સંજોગોમાં રાફેલ પણ કારગત નિવડે એમ જણાતું નથી.
એર સ્ટ્રાઈક બાદ મોદી સરકારને લોકસભાની ચૂંટણીમાં 400 સીટ મળવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. ભાજપ એકલા હાથે 300થી 325 સીટ હાંસલ કરે તેવી સ્થિતિમાં આવી ગયું છે. એર સ્ટ્રાઈકથી ભાજપ અને પીએમ મોદીને મોટાપાયા પર રાજકીય ફાયદો થવાની શક્યતા છે. લોકસભાની ચૂંટણીમાં વિપક્ષોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની ગઈ છે.
વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનું જે પ્રકારે ધોવાણ થયું હતું તે ઘોવાણને એર સ્ટ્રાઈકે સરભર કરી આપ્યું છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને જમ્મૂ-કાશ્મીર જેવા સરહદી રાજ્યોમાં ભાજપને ફરી એક વાર જબરદસ્ત ફાયદો થવાના સંકેત છે. જ્યાર યુપીમાં ગઠબંઘન હોવા છતાં ભાજપના વિજય રથને રોકવા માટે સપા-બસપાનું જોડાણ અપૂરતું બની રહેશે. આમ પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડી રહી હોવાથી સપા-બસપાને આના કારણે વોટ શેરીંગમાં મોટું નુકશાન વહન કરવાનો વારો આવી શકે એમ છે.
ગુજરાતમાં ગોધરા કાંડ અને ત્યાર બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોના કારણે ભાજપે વિજયની પતાકા લહેરાવી હતી તેવી જ સ્થિતિનું લોકસભાની ચૂંટણી માટેના ભાજપની જીતના સમીકરણો ઉભા થયા છે. વર્તમાનમાં મોદી સરકાર માટે એર સ્ટ્રાઈક રાજકીય રીતે અનેક પ્રકારે ફાયદાકારક સાબિત થઈ રહી છે.