PM મોદીએ સુરત એરપોર્ટ પર લોકોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે ઉંધિયું પત્યું નહીં અને પોંક જાય નહીં. તેમણે જણાવ્યું કે પાછલા 30 વર્ષમાં કેન્દ્રમાં તડજોડની સરકારો ચાલી હતી અને દેશનો વિકાસ રૂંધાયો હતો. એક વોટથી સંપૂર્ણ બહુમતિવાળી સરકાર આવી અને દેશનો વિકાસ ઝડપથી થવા માંડ્યો છે. બહુમતિવાળી સરકાર તાત્કાલિક નિર્ણય લઈ શકે છે અને નિર્ણયોના દાખલા આપણી સમક્ષ છે.
તેમણે કહ્યું કે બાપુની પૂણ્યતિથિ છે અને બાપુને નમન કરું છું. દાંડીમાં સત્યાગ્રહીઓના સ્મારકનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આગામી 10 વર્ષમાં સુરત દેશના સૌથી વિકસત શહેરોમાંનું એક હશે. એક દિવસમાં સુરતથી 1800 મુસાફરો હવાઈ યાત્રા કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. સુરત એરપોર્ટની ભવિષ્યની ક્ષમતા વાર્ષિક ચાર લાખથી વધીને 26 લાખ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. થોડા સમયમાં સુરતથી શારજાહની ફ્લાઈટ પણ શરૂ થઈ જશે. વેપારની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉપયોગી નિવડશે.
વડાપ્રધાને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગના વિસ્તરણ કાર્યનું ભૂમિપૂજન કર્યું હતું. 352 કરોડના ખર્ચે એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગનું વિસ્તરણ કરવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાને સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવાની પણ જાહેરાત કરી હતી.