નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળની રાજધાની, કોલકાતામાં વર્ચ્યુઅલ રીતે જોડાઇને દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે વડાપ્રધાન મોદીએ રાજ્યમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો પણ શંખનાદ કર્યો હતો. વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમ માટે ભાજપે બહોળી તૈયારી કરી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં તેમની સરકારની ઉપલબ્ધિઓ ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો.
આત્મનિર્ભર ભારત-મોદીના અભિયાનમાં મહિલા શક્તિની ભૂમિકા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દેશમાં મહિલા સશક્તિકરણ માટેની ઝુંબેશ ઝડપી ગતિએ ચાલુ છે. બળાત્કારની સજાને લગતા કાયદાઓને ખૂબ કડક બનાવવામાં આવ્યા છે, ગેરવર્તન કરનારાઓને મૃત્યુદંડની પણ જોગવાઈ છે. ભારતે જે નવી પ્રતિજ્ઞા લીધી છે – આત્મનિર્ભર ભારતના અભિયાનમાં સ્ત્રી શક્તિની ખૂબ મોટી ભૂમિકા છે.
મોદીએ વધુમાં કહ્યું કે, “મુદ્રા યોજના અંતર્ગત 22 કરોડ મહિલાઓના બેંક ખાતા ખોલવા અથવા કરોડો મહિલાઓને સરળ લોન આપવી. તે બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન હોય કે ત્રિપલ તલાક સામેનો કાયદો. દેશની શક્તિને મજબૂત બનાવવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. ”
મોદીએ રાજ્યમાં થઈ રહેલા કામોનો ઉલ્લેખ કર્યો
- રાજ્યમાં લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે.
- વડાપ્રધાન આવાસ યોજના હેઠળ બંગાળમાં લગભગ 30 લાખ ગરીબ લોકો માટે મકાનો બનાવવામાં આવ્યા છે.
- ઉજ્જવલા યોજના અંતર્ગત લગભગ 90 લાખ ગરીબ મહિલાઓને મફત ગેસ જોડાણો આપવામાં આવ્યા છે.
- બંગાળના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે, કનેક્ટિવિટી સુધારવા માટે સતત કામ પણ કરવામાં આવી રહ્યું છે.
- કોલકાતામાં પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટ માટે રૂ. 8 હજાર કરોડને પણ મંજૂરી આપવામાં આવી છે.