14મી ફેબ્રઆરીના દિવસે એક તરફ જમ્મૂ-કાશ્મીરમાં જવાનો પર આતંકી હુમલો થયો ત્યારે વડાપ્રધાન મોદી નૈનીતાલમાં ફિલ્મની શૂટીંગ કરી રહ્યા હોવાનો ધડાકો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ભાજપના નેતાઓ પર પુલવામા હુમલા અંગે રાજનીતિ કરવા અને બેજવાદાર રીતે વર્તવાનો આરોપ મૂક્યો છે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં હુમલો થયો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નૈનીતાલના રામનગરમાં કોર્બેટ નેશનલ પાર્કમાં ફિલ્મની શૂટીંગ કરી રહ્યા હતા. ચેનલના ક્રુ મેમ્બરો સાથે ફોટો અને અન્ય કામ કરતા હતા. વોટર રાઈડ કરી રહ્યા હતા. સુરજેવાલાએ આ ઈવેન્ટના ફોટો પણ મીડિયા સાથે શેર કર્યા હતા.
તેમણે જણાવ્યું કે ભાજપના નેતાઓ આતંકી હુમલા અને શહીદોના નામે રાજનીતિ કરી રહ્યા છે. 14મીએ 3.10 મીનીટે પુલવામા ખાતે હુમલો થયો તે દિવસે પોણા સાત વાગ્યા સુધી પીએમ મોદી નૈનીતાલમાં હતા. નેશનલ પાર્કમાંથી નીકળ્યા બાદ પીએમ મોદીએ ઘનગડી ખાતે નૌકાવિહાર પણ કર્યો અને ત્યાં અધિકારીઓ સાથે મીટીંગ પણ કરી હતી.પી.ડબ્લ્યુડીના ગેસ્ટ હાઉસમાં ગયા હતા. ઘનગડી ગેટ પર 6.30 વાગ્યા પહોંચ્યા હતા અને ચા-પાણી કર્યા હતા. ધનગડીથી નીકળ્યા ત્યારે લોકોનું અભિવાદન પણ ઝીલ્યું અને લોકોએ મોદી ઝીંદાબાદના નારા પણ લગાવ્યા હતા.
તેમણે કહ્યું કે ચાર કલાક સુધી પીએમ મોદી નૈનીતાલમાં હાજર હતા અને શહીદોનું આવું અપમાન ક્યારેય જોવા મળ્યું નથી. આવો અમાનવીય વ્યવહાર અને શર્મજનક વર્તન આ પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. એક તરફ શહીદોના ટૂકડા એકઠાં કરવામાં આવી રહ્યા હતા જ્યારે બીજી તરફ પીએમ મોદી અભિવાદન ઝીલી રહ્યા હતા.
રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે આતંકી હુમલા બાદ દેશભરમા આક્રોશ છે અને લોકોમાં સંવેદના છે પરંતુ પીએમ મોદી સહિત ભાજપના નેતાઓ સભા અને ઉદ્વાટનો કરી રહ્યા છે. શહીદોના તાબૂત દિલ્હી એરપોર્ટ પર આવ્યા ત્યારે ઝાંસીથી પીએમ મોદી એક કલાક મોડા પહોંચ્યા અને પ્રથમ પોતાના નિવાસે ગયા, ત્યાર બાદ શહીદોને શ્રધ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
તેમણે કહ્યું કે દેશમાં ભારે રોષ છે ત્યારે પીએમ મોદી દક્ષિણ કોરીયાની મુલાકાતે પહોંચી ગયા છે. મોદી સરકાર પુલવામા આતંકી હુમલા અંગે કોઈ જવાબદારી નિભાવી રહી નથી અને કોઈ જવાબ આપી રહી નથી. મોદી સરકાર ખોટી પ્રાથમિકતા ધારણ કરીને બેઠી છે. સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે પુલવામા હાઈવે પર સેનેટાઈઝેશન વિના કોઈ પણ પ્રવેશ કરી શકે નહી ત્યારે આતંકી કેવી રીતે ઘૂસૂ ગયો. સેંકડો કિલોગ્રામ વિસ્ફોટકો કેવી રીતે આવ્યા અને ક્યાંથી મળ્યા. 48 કલાક પહેલાં કાશ્મીર પોલીસે આપેલા ઈનપૂટને નજર અંદાજ કેમ કરવામા આવ્યો. બીએસએફે વિમાન દ્વારા જવાનોને લઈ જવાની માંગ કરી હતી તો એ માંગને શા માટે ફગાવી દેવામાં આવી હતી. મોદી સરકારના 56 મહિનામાં 488 જવાન શહીદ થયા છે. મોદી સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.