સોનિયા ગાંધીના પુત્રી અને રાહુલ ગાંધીના નાની બહેન પ્રિયંકા ગાંધી પીએમ મોદીને વારણસીમાંથી ટક્કર આપવા તૈયાર થઈ ગયા છે. કોંગ્રેસના સૂત્રોએ માહિતી આપી છ કે પ્રિયંકા ગાંધી વારણસીમાંથી ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા છે. જોકે, અંતિમ નિર્ણય રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર છોડવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદી વારણસીથી ઉમેદવારી કરે તે પહેલાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ વારાણસી બેઠકની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. પીએમ મોદી 26મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. અમિત શાહે કાલ ભૈરવ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.
વારણસીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તે અંગે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાને પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું કે હું અટકળો પર વિશ્વાસ રાખતો નથી. જ્યારે પણ નિર્ણય કરવામાં આવશે ત્યારે માહિતી આપવામાં આવશે.
પાછલા કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે કે પીએમ મોદીને પ્રિયંકા ગાંધી પડકાર ફેંકી શકે છે. તાજેતરમાં યુપીના કાર્યકર સંમેલનમાં કાર્યકરોએ રાયબરેલીથી ચૂંટણી લડવા પ્રિયંકા ગાંધીને કહ્યું હતું તો તેના જવાબમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે બનારસ સે ચૂનાવ ક્યું નહીં લડું. ત્યારથી પ્રિયંકા ગાધી અંગે ચર્ચાએ વેગ પકડ્યો છે.