રાફેલ ડીલ અંગે કેગનો રિપોર્ટ બુધવારે રાજ્યસભામાં વંચાણે લેવામાં આવ્યો હતો. રિપોર્ટમાં 126 વિમાન ખરીદવાના સોદાને પાછલી યુપીએ સરકાર કરતાં સસ્તો બતાવવામાં આવ્યો છે. સાથે કહેવાયું છે કે પાછલી ડીલમાં ફેરફાર કરવાથી દેશના 2.87 ટકા રૂપિયાની બચત કરવામાં આવી છે. 126 વિમાન ખરીદવા માટે જરૂરિયાત અનુસાર 36 રાફેલ વિમાન ખરીદવાના સોદામાં 2.87 ટકા રકમ બચાવી લેવામાં આવી છે.
આની સાથે જ કહેવાયું છે કે પહેલે 18 રાફેલ વિમાનની ડિલીવરીનું શિડયુલ પાંચ મહિનાનું શિડ્યુલ 126 વિમાન ખરીદવાના કરાયેલા સોદાથી સારો છે. રાજ્યસભામાં રજૂ કરાયેલા ભારતીય વાયુ સેનાના કેપિટલ એક્વિઝિશન્સ પર કેગના 16 પાનાના રિપોર્ટમાં રાફેલ સોદા અંગે જાણકારી આપવામાં આવી છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ઓડિટ દરમિયાન જોવા મળ્યું કે ભારતીય વાયુ સેનાએ ASQR(એર સ્ટાફ ક્વોલિટી રિક્વાયરમેન્ટ)ની વ્યાખ્યા નિશ્ચિત કરી ન હતી. પરિણામે કોઈ પણ વેન્ડર ASQRનું સંપૂર્ણ રીતે પાલન કરી શક્યો નહીં. પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ દરમિયાન ASQR સતત બદલાતા રહ્યા. જેના કારણે ટેક્નિકલ તથા કિંમતને નક્કી કરવામાં સમયે સમયે મુશ્કેલીઓ ઉભી થઈ. આ ઉપરાંત પ્રતિયોગી ટેન્ડરીંગને નુકશાન થયું. જે એક્વિઝિશન પ્રક્રિયામાં વિલંબનું મુખ્ય કારણ બની રહ્યું.
આના સિવાય રક્ષા મંત્રાલયની ટીમે માર્ચ 2015માં ભલામણ કરી હતી કે 126 વિમાનોનો સોદો રદ્ કરવામાં આવે. ટીમે કહ્યું હતું કે દાઓસ એવિએશન સૌથી ઓછી કિંમત આપી રહ્યું નથી. તથા EADS( યુરોપિયન એરોનોટીક ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની) ટેન્ડર રિક્વાયરમેન્ટને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા યોગ્ય નથી.
કેગ રિપોર્ટ અંગે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ ટવિટ કરીને કહ્યું કે એવું નથી કે સુપ્રીમ કોર્ટ પણ ખોટી છે. કેગ પણ ખોટી હોય. માત્ર પરિવાર જ સાચો છે. સત્ય મેવ જયતે. સત્યની હંમેશ જીત થાય છે. રાફેલ અંગે કેગના રિપોર્ટથ સત્યને સમર્થન મળ્યું છે. લોકતંત્ર તેમને કેવી રીતે દંડિત કરે છે જે સતત જૂઠ બોલી રહ્યા છે. કેગ રિપોર્ટથી મહાજૂઠગઠબંઘનની પોલ ખુલ્લી પડી ગઈ છે.
રાફેલ ડીલ અંગે કેગ રિપોર્ટ રજૂ થતાં પહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંદી અને પૂર્વ વડાપ્રધાનો મનમોહનસિંહે સંસદ ભવનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનમાં કોંગ્રેસના અન્ય શિર્ષ નેતાઓ પણ જોડાયા હતા. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ કાગળના રાફેલ વિમાન દેખાડ્યા હતા. ચોકીદાર ચોર હૈની નારેબાજી કરવામાં આવી હતી.
રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધે મંગળવારે પીએમ મોદી પર જ સીધો હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે પીએમ મોદીએ રાફેલ સોદા અંગે અનિલ અંબાણીના મીડલમેન તરીકેની ભૂમિકા ભજવી હતી. હાલના ઓડિટર જનરલ રાજીવ મહર્ષિ પાસેથી નિષ્પક્ષ ઓડિટ રિપોર્ટની આશા ઠગારી બની રહેવાની છે. કેગ રિપોર્ટ નરેન્દ્ર મોદીની રિપોર્ટ છે. રાહુલ ગાંધીએ ઈમેલ પણ રજૂ કર્યો હતો અને વડાપ્રધાન મોદીને સાણસામાં લીધા હતા. કેગ રિપોર્ટ રજૂ થયા બાદ રાજ્યસભામાં વિપક્ષે હંગામો કર્યો હતો અને તેના કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.