કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મિનિમમ રોજગાર ગેરંટી સ્કીમનું વચન આપીને એવા લોકોને કોંગ્રેસ તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે કે જેઓ દિવસભર કામ કરીને સાંજ ટાણે પોતાની જાતને છેતરાયેલી સમજે છે. મોદી સરકાર વિચાર કરે તે પહેલાં જ રાહુલ ગાંધીએ વધુ એક મોટો દાવ રમીને મોદી સરકારને બેકફૂટ પર ધકેલી દીધી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમે એક ઐતિહાસિક નિર્ણય કરવા જઈ રહ્યા છીએ. જે દુનિયાની કોઈ સરકારે કર્યો નથી. 2019ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ દેશના દરેક ગરીબને કોંગ્રેસની સરકાર ઓછા ઓછી આવક (એટલે મિનિમમ ઈન્કમ ગેરંટી) સ્કીમ લાગુ કરશે. દરેક વ્યક્તિના બેન્ક ખાતમાં મિનિમમ આવક આવે તે માટે કોંગ્રેસ સરકાર સ્કીમ લાગુ કરશે. છત્તીસગઢના પાટનગર રાયપુરમાં રાહુલ ગાંધીએ સોમવારે આ જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીની આ વાત માત્ર શાબ્દીક કે રાજકીય લાગતી હશે પરંતુ આની દુરોગામી અસર પડવાની છે. પ્રધાન મંત્રી મોદી અને તેમનો ભાજપ જે ગેરંટી વિશે પાંચ વર્ષથી મહામંથન કરી રહ્યા હતા તે વાતને રાહુલ ગાંધીએ એક જ ઝાટકે ઉડાડી દઈને મોટો દાવ રમી લીધો છે.
દેશભરમાં અસંગઠિત લોકો રોજગારનો માર સહન કરી રહ્યા છે. કોંગ્રેસ સરકારે મનરેગાની શરૂઆત કરી હતી. જેને ગામ અને છેવાડાના માનવી માટે આશિર્વાદરૂપ યોજવા માનવામાં આવી હતી. જોકે, મનરેગાને ભ્રષ્ટાચારી સિસ્ટમે બોદી કરી નાંખી હતી. પંરતુ આજે પણ મોટાભાગના મજુરો મનરેગાનો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત મોદી સરકારે પણ મનરેગાના બજેટમાં વધારો જ કર્યો છે. હા, ભાજપ સરકાર દાવો કરી રહી છે કે તેની સરકારના કાર્યકાળમાં મનરેગામાં ભ્રષ્ટાચાર ઘડાડી દેવામાં આવ્યો છે.
કોંગ્રેસના યુવા પ્રમુખ રાહુલ ગાંધીએ મિનિમમ રોજગાર ગેરંટી ઉપરાંત મહત્વની જાહેરાત કરી કે બેન્ક ખાતામાં આવક જમા કરાશે. રાજકીય રીતે રાહુલ ગાંધીની મિનિમમ રોજગાર ગેરંટીની સ્કીમને માસ્ટર સ્ટ્રોક માની શકાય છે. જ્યારે-જ્યારે બેન્ક ખાતાની વાત આવે ત્યારે નરેન્દ્ર મોદી પંદર લાખ રૂપિયા બેન્ક ખાતામાં જમા થવાની યાદ આવી જાય છે. લોકોના મગજ પર જનધન ખાતાની વાતો તમ્મર ખવડાવે તેવી રીતે ઘુમરાયા કરે છે. આજે જનધનની શું હાલત થઈ છે તેનો જવાબ તો મોદી સરકાર પાસે પણ નથી. રાહુલ ગાંધીએ આ વાત રજુ કરી ત્યારે તેમના મગજમાં પણ જનધન ખાતા( દરેકના ખાતામાં 15 લાખ જમા થશે: મોદી)ના અંજામનો ખ્યાલ તો હશે જ.
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ બોલે છે તે કરી બતાવે છે. ખેડુતોનું દેવું માફ કર્યુ, જમીનો પરત આપી. ભાજપ બે હિન્દુસ્તાન બનાવવા માંગે છે. એક ઉદ્યોગતિઓનો,(જ્યાં બધું મળી રહે છે) અને બીજો ગરીબોનો( જ્યાં કશું પણ મળતું નથી). મિનિમમ ઈન્કમની ગેરંટી વાત કરી રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીનું ટ્રેલર બતાવી દીધું છે. કોંગ્રેસ આ યોજનાને ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરશે એવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.
આજે રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી તેમાં મોદી સરકાર કેમ પાછળ રહી ગઈ. આ એક યક્ષ પ્રશ્ન છે. 2016-17માં આર્થિક સમીક્ષામાં પણ મૂળભૂત રીતે યુનિવર્સલ બેઝિક ઈન્કમ(UBI)નો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. બે વર્ષ પહેલાં મોદી સરકારના મગજમાં આ વાત હતી. પંરતુ સરકારથી જાહેરાતમા ચૂક થઈ ગઈ. હવે જો મોદી સરકાર UBIને આગળ વધારે છે તો તેની સીધી ક્રેટીડ રાહુલ ગાંધીને જશે અને નકલખોરીનો આક્ષેપ થશે. કોંગ્રેસના વિચારને હાઈજેક કરવામાં મોદી સરકાર માહેર છે.