રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા જ્યાં તેમણે ગુનો કબૂલ્યો નથી. કેસની આગામી સુનાવણી 10 ડિસેમ્બરે હાથ ધરાશે.
રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. આજે ગુરૂવારે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે. ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીનુ જોરદાર સ્વાગત કરવા તૈયારીઓ કરી છે. 11મીએ કોર્ટની તુદત હોઇ ફરી રાહુલ ગાંધી અમદાવાદ આવશે.
પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપરાંત પ્રદેશના નેતાઓ સુરત પહોંચ્યાં છે. કોર્ટ કાર્યવાહી પૂર્ણ કરી રાહુલ ગાંધી મહારાષ્ટ્ર જશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી રાહુલ ગાંધીની જાહેરસભા આયોજીત કરાઇ છે.
11મી રાહુલ ગાંધી ફરી અમદાવાદ આવશે. અમદાવાદ કોર્ટમાં મુદત હોવાથી સતત બીજા દિવસે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવશે. વહેલી સવારે સાડા દસ વાગે મિરઝાપુર કોર્ટમાં રાહુલ ગાંધી હાજરી આપશે તે વખતે એરપોર્ટથી માંડીને રૂપાલી સિનેમા સહિતના સ્થળોએ કોંગ્રેસી કાર્યકરો રાહુલ ગાંધીની ફુલહારથી સ્વાગત કરશે.
કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ બપોરે દોઢેક વાગે સરકીટ હાઉસમાં રાહુલ ગાંધી પ્રદેશના નેતાઓ સાથે ટૂંકી બેઠક યોજશે અને પેટાચૂંટણી-સંગઠનના મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપશે.
રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઇને શહેર કોંગ્રેસની એક બેઠક મળી હતી. જેમા કાર્યકરોને રાહુલ ગાંધીના આગમન વખતે મોટી સંખ્યામાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.