આવતીકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ઘરમપુર ખાતે રાહુલ ગાંધી જાહેરસભાને સંબોધન કરશે તો સાથો સાથ લોકોની સમસ્યાઓ જાણવાનો પણ પ્રયાસ કરવાના છે.
ગુજરાતભરના 25 ખેડુત આગેવાનોને રાહુલ ગાંધીએ સમય ફાળવ્યો છે. ગુજરાતને ખેડુતો તેમની પડતી મુશ્કેલીઓ બાબતે રાહુલ ગાંધીને રજૂઆત કરવાના છે. સુરતના ખેડુત આગેવાન જયેશ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના ખેડુતોની સ્થિતિ હાલ ખબૂ જ કફોડી બની ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોને જમીનો લઈ લેવામાં આવી રહી છે. બૂલેટ ટ્રેન, રેલવે કોરિડોર અને ભારત માલા પ્રોજેકટ, એક્સપ્રેસ વે બનાવવામાં દક્ષિણ ગુજરાતના ખેડુતોની પારવાર જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જેને લઈ રાહુલ ગાંધીને રજૂઆત કરવામાં આવશે અને ખેડુતોના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી પહેલ કરવા માંગ કરાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે સ્વામીનાથન કમિટી દ્વારા ખેડુતોને ખેત ઉત્પાદનના ભાવો આપવા માટે નીતિગત ભલામણો કરવામાં આવી હતી. સ્વામીનાથન કમિટીના રિપોર્ટને લાગુ કરવાની પણ માંગ કરવામાં આવશે. ખાસ કરીને ખેડુતોને 3200 કરોડ રૂપિયાની ઈન્કટેક્સની નોટીસ આપવામાં આવી છે તેના વિરોધમાં પણ ખેડુતો રજૂઆત કરવાના છે. આ ઉપરાંત કુલ 25 જેટલા મુદ્દાઓ અંગે રાહુલ ગાંધીની મુલાકાત લઈ રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.