લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ ગરમાટો આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચારનું રણશિંગુ ફૂંકી દેવામાં આવ્યું છે. પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ વગેરે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ આક્રમકતાથી ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે. આ બધા ધમધમાટ વચ્ચે કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી સીધી ગુજરાત આવી અને પીએમ મોદી-અમિત શાહના ગઢથી કોંગ્રેસે શરૂઆત કરી મોદી વિરોધનો આકરો સંદેશો આપ્યો છે. પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ પણ હવે કોંગ્રેસમાં આવી ગયા છે. હાર્દિકની સાથે અલ્પેશ ઠાકોર બેઠેલા દેખાયા. મતલબ સાફ છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડશે નહીં અને ભાજપમાં જશે પણ નહીં.
58 વર્ષ પછી ગુજરાતાં કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી મળી. તેનું રાજકીય મહત્વ અનેક રીતે વધી ગયેલું જણાય છે. અત્યાર સુધી ગુજરાતને કોરાણે મૂકતી આવેલી કોંગ્રેસને ગુજરાતની તાકાતની ઓળખ થઈ રહી છે. આ એ જ ગુજરાત છે જેણે ભાજપને સત્તાના શિખરો સુધી એકલા હાથે પહોંચાડીને બતાવ્યું છે. પાછલા 30 વર્ષથી ગુજરાતને કોંગ્રેસે માત્ર એક જ નેતાના ભરોસે મૂકી દીધું હતું. ગુજરાત પર કોઈ ધ્યાન આપતું ન હતું. હઈસો-હઈસો અને ચાપલુસ નેતાઓની ભરમાર હતી. કોંગ્રેસના નેતાઓ કહે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ભાજપને જોરદાર ટક્કર આપી હતી અને ભાજપને 100 સીટ સુધી સીમીત રાખ્યું હતું અને કોંગ્રેસના પલડામાં 71 સીટ આવી હતી. જો આ સીટોને લોકસભાની બેઠક પર કન્વર્ટ કરવામાં આવે તો કોંગ્રેસ ઓછામાં ઓછી આઠ સીટ પર ભાજપને કાંટે કી ટક્કર આપી શકે તેમ છે.
ગુજરાત લોકસભાની 26 સીટ છે અને 2014માં ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કરી નાંખ્યા હતા. તમામ 26 સીટ પર ભાજપનો વિજય થયો હતો. વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને ચિંતા છે કે 2019માં પણ 2014નું પુનરાવર્તન કરી શકાય એમ નથી. જેથી કરીને જ્યાં ભાજપ નબળો છે ત્યાંથી કોંગ્રેસના ધારાસભ્યોને તોડીફોડી નાંખવામાં આવી રહ્યા છે. રાજનીતિની વરવી સ્થિતિ નિર્માણ થઈ છે. વિધાનસભામાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું તો અહેમદ પટેલની જીત પણ એક મોટી સફળતા જ રહેલી હતી.
કોંગ્રેસ માટે ત્રીજી મોટી સફળતા હાર્દિક પટેલની કોંગ્રેસમાં થયેલી એન્ટ્રી છે. 2019ના ચૂંટણી જંગને કોંગ્રેસે પ્રારંભમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને ઘર સુધી લઈ ગયા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક સાથે પહેલી વાર કોંગ્રેસના મંચ પર જોવા મળ્યા. જોકે, ભાજપના નેતાઓ કહે છે કે વિધાનસભામાં ભલે લોકોએ કોંગ્રેસને વોટ આપ્યા પણ લોકસભામાં તો ગુજરાતના લોકો પીએમ મોદીને જ વોટ આપશે અને 2014ની જેમ 26 બેઠક ફરી જીતીશું.