લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અત્યાર સુધી ફ્રન્ટ ફૂટ પર રાજકીય મેદાને જંગ કરી રહ્યા છે ત્યારે ઉત્તરાખંડમાં દહેરાદૂનની સભામાં રાહુલ ગાંધીએ સૌને ચોંકાવી દીધા હતા. રાહુલ ગાંધીએ જ્યારે નરેન્દ્ર મોદી વતી માફી માંગી તો લોકોએ તેમને આવું નહીં કરવાનો શોરબકોર કર્યો હતો.
કોંગ્રેસ પ્રમુખે પોતાના ભાષણમાં કહ્યું કે પીએમ મોદી રાફેલ ડીલથી લઈ જીએસટી અને કિસાન સમ્માન નિધિ યોજનાને લઈ વિકાસની વાતો કરે છે. પરંતુ આ બધી યોજના અને નીતિઓમાં સરકારની નિષ્ફળતા અને અણઆવડત જોવા મળી રહી છે. રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે આ બધું થયું અને લોકોને જે હાલાકી પડી છે તેને લઈ હું નરેન્દ્ર મોદી વતી તમારા સૌની માફી માંગું છું.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા કે જ્યારે પુલવામા હુમલો થયો ત્યારે પીએમ મોદી કોર્બેટ પાર્કમાં વીડિયોની શૂટીંગ કરી રહ્યા હતા. કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ રીતે શદીહ સૈનિકોના પરિવાર સાથે અડીખમ ઉભો છે. ભારતીય સેનામાં ઉત્તરાખંડના બલિદાન અને સહભાગી થવાની કદર સમગ્ર દેશ કરે છે.
કોંગ્રેસ પ્રમુખે ભાજપના સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડૂરીની પ્રશંસા કરી કહ્યું કે ખંડૂરી સંરક્ષણ સાથે સંબંધિત સંસદીય કમિટીના ચેરમેન હતા અને તેઓ સત્ય બોલવા ગયા તો તેમને ચેરમેન પદેથી દુર કરી દેવામાં આવ્યા. ખંડૂરીના પુત્ર મનીષ ખંડૂરી તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયા છે.
આ રેલીમાં ચોકીદાર ચોર હૈના નારા ગૂંજ્યા હતા. અનિલ અંબાણી અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે કાગળનું વિમાન પણ જેને બનાવતા આવડતું નથી તેવા અનિલ અંબાણીને રાફેલ વિમાન બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે.