નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે (16 એપ્રિલ) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાહુલે કહ્યું કે, મારી ટિપ્પણીઓને કોઈ ટીકા તરીકે ન લેવી જોઇએ, પરંતુ સલાહની જેમ સાંભળવી જોઈએ. આ દરમિયાન રાહુલે કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા માટે આપણે શક્ય તેટલા ટેસ્ટ કરવા પડશે.
રાહુલે કહ્યું કે, લોકડાઉન એક વિરામ બટન (પોઝ બટન) છે, ઉપાય નથી. જ્યારે આપણે લોકડાઉનમાંથી બહાર આવીએ છીએ, ત્યારે વાયરસની ઝપેટમાં ફરીથી આવવાની સંભાવના છે. સરકારને લોકડાઉન દ્વારા સમય મળ્યો જેથી તે સંસાધનો એકત્રીત કરી શકે કે જેથી તે કોરોના સાથે સ્પર્ધા કરી શકે. રાહુલે કહ્યું કે, મારી સરકારને સલાહ છે કે શક્ય તેટલા વધુ ટેસ્ટ કરવામાં આવે.
રાહુલે કહ્યું કે, કોવિડ વાયરસ સામે લડવા માટે આપણી મેન ફોર્સ જિલ્લા અને રાજ્ય એકમો છે. કેરળ, વાયનાડની પ્રગતિ એ જિલ્લા એકમની કામગીરીની અસર છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિલ્લા એકમોને મજબુત બનાવવા જોઈએ.
તાજેતરમાં, સરકારે આગામી બે વર્ષ માટે સાંસદ ભંડોળ મોકૂફ રાખ્યા પછી રાહુલે કહ્યું કે, આ ગંભીર પરિસ્થિતિમાં આ મોટો મુદ્દો નથી. રાહુલે કહ્યું કે, મારુ મુખ્ય સૂચન એ છે કે, સરકારે વ્યૂહરચના સાથે કામ કરવું જોઈએ. લોકડાઉનથી વાત બની નથી, પરંતુ ફક્ત ટળી ગઈ છે. રાજ્યોનો જીએસટી તેમને પૂરો પાડવો જોઇએ. રાજ્યોને અપાયેલા પેકેજ અંગે રાહુલે કહ્યું હતું કે, પૈસા જે ઝડપે પહોંચવા જોઈએ તે થઈ રહ્યું નથી.