ગુજરાત કોંગ્રેસના બળતા ઘરને થાળે પાડવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરી ધારાસભ્યોમાં વ્યાપેલા અસંતોષના કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. તેમાંય વળી ઊંઝાના મહિલા ધારાસભ્ય આશા પટેલે ધારાસભ્ય પદથી રાજીનામું આપી દેતા પ્રદેશ નેતાગીરી ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા હોવાની માહિતી કોંગ્રેસના વર્તુળોએ આપી છે. રાજીવ સાતવની ગુજરાતમાંથી વિદાય નિશ્ચિત માનવામાં આવી રહી છે.
રાજીવ સાતવના સ્થાને કોને ગુજરાતના પ્રભારી તરીકે નિમણૂંક આપવી તે અંગે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ઈચ્છા અનુભવી નેતાને લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતની કમાન સોંપવાની હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે અનુભવી નેતા તરીકે બીકે હરીપ્રસાદને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.
કોંગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ રાજીવ સાતવની કાર્યપદ્વતિથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસના નેતાઓએ બીકે હરી પ્રસાદનું નામ આગળ કર્યું છે. બીકે હરીપ્રસાદ આ પહેલાં પણ ગુજરાતના ચાર્જ સંભાળી ચૂક્યા છે અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના થયેલા દેખાવ અંગે તેમને રિપોર્ટ માટે ગુજરાત મોકલવામાં આવ્યા હતા. બીકે હરીપ્રસાદે કોંગ્રેસ હાઈકમાન્ડને વિધાનસભાની ચૂંટણી અંગેનો રિપોર્ટ સુપરત કર્યો હતો.
બીકે હરીપ્રસાદે વિધાનસભાની ચૂંટણી બાદ હારેલા અને જીતેલા ઉમેદવારો ઉપરાંત સંગઠનના હોદ્દેદારો સાથે વ્યક્તિગત મુલાકાતો કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો. બીકે હરીપ્રસાદ ગુજરાત કોંગ્રેસની રગેરગથી વાકેફ છે ત્યારે તેમને ગુજરાત કોંગ્રેસની જવાબદાકી સોંપાવાની શક્યતા વચ્ચે ગુજરાત કોંગ્રેસમાં ચણભણાટ શરૂ થઈ ગયો છે.
રાજીવ સાતવ મહારાષ્ટ્રના હિંગોલીમાંથી લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે તે પણ તેમની ગુજરાતના પ્રભારી તરીકેની વિદાયનું નિમિત્ત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભાજપે ગુજરાતમાં અનુભવી ઓમ માથુરને મોકલ્યા છે અને ઓમ માથુરે ગુજરાતમાં ભાજપના સંગઠનની મેરેથોન બેઠકો શરૂ કરી દીધી છે ત્યારે બીકે હરીપ્રસાદના નામની વિચારણા કોંગ્રેસ માટે શુકનવંતી સાબિત થાય છે કે કે એ તો સમય જ બતાવશે. હાલની સ્થિતિ જોતાં કોંગ્રેસ ગુજરાતના ઈન્ચાર્જને બદલી શકે તેવા સંકતો મળી રહ્યા છે.