કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશે મહોમ્મદના ટ્રેનીંગ કેમ્પો પર ઈન્ડીયન એરફોર્સની એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આંતકીઓનો આંકડાની આજે નહીં તો કાલે બધાને ખબર પડી જશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર રાજનાથસિંહે દાવો કર્યો કે નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(NTRO)એ જણાવ્યું છે કે ભારતે કરેલી એર સ્ટ્રાઈક પૂર્વે બાલાકોટમાં આતંકી અડ્ડાઓની આસપાસ 300 મોબાઈલ ફોન એક્ટિવ હતા. વિપક્ષ પર એર સ્ટ્રાઈકને લઈ રાજનીતિ કરવાનો આરોપ મૂકી તેમણે કહ્યું કે જો કોંગ્રેસ એવું જાણવા માંગે છે કે હુમલામાં કેટલા આતંકીઓ માર્યા ગયા તો તે પાકિસ્તાન જઈને લાશોની ગણતરી કરી શકે છે.
બીએસએફના બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટનું ઉધ્ધાટન કરતા રાજનાથસિંહે જાહેરસભાને સંબોધન કરતાં કહ્યું કે અન્ય રાજનીતિક પાર્ટીઓના કેટલાક નેતાઓ પૂછી રહ્યા છે કે ભારતીય વાયુસેનાના હુમલામાં કેટલા આતંકીઓ માર્યા ગયા. આ અંગે આજે નહીં તો કાલે બધાને ખબર પડી જશે. પાકિસ્તાન અને તેના નેતાઓના દિલ જાણે છે કે કેટલા આતંકીઓ માર્યા ગયા છે.
માર્યા ગયેલા આતંકીઓ અંગે પ્રશ્ન કરનારા વિપક્ષ પર વ્યંગ કરી તેમણે કહ્યું કે કેટલા મર્યા, કેટલા મર્યા. એનટીઆરઓની સિસ્ટમ કહે છે કે હુમલા વખતે 300 મોબાઈલ એક્ટિવ હતા. શું આ મોબાઈલ ફોન ઝાડ ઉપયોગ કરી રહ્યા હતા. શું હવે વિપક્ષ એનટીઆરઓ પર પણ વિશ્વાસ કરશે નહીં.
તેમણે કહ્યું કે માત્ર સરકાર બનાવવા માટે રાજનીતિ કરવી જોઈએ નહીં પણ દેશ નિર્માણ માટે કરવી જોઈએ. જો કોંગ્રેસને લાગે છે કે આતંકીઓ માર્યા ગયા નથી તો તેઓ શોખથી પાકિસ્તાન જઈ શકે છે અને આપણી સેનાએ કેટલા માર્યા છે અથવા લાશોને ગણી શકે છે.