લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં માંગરોળ તાલુકાના ભાટકોલ ગામે આરએસએસના પ્રચારક ઈન્દ્રેશકુમારની ઉપસ્થિતિમાં મુસિલમ રાષ્ટ્રીય મંચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમો હાજર રહ્યા હતા. ઈન્દ્રેશકમારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં કોઈ પણ પાર્ટીનો ઝંડા કે ચિહ્ન ન હતા. મુસ્લિમો માટે વિચારગોષ્ઠિ રાખવામાં આવી હતી. મહત્વની વાત એ હતી કે કાર્યક્રમ સ્થળ પર કોઈ પણ પ્રકારનું ચેકીંગ ન હતું અને કાર્યક્રમ શાંતિપૂર્ણ રહ્યો હતો. અન્ય કોઈ પાર્ટીનો પ્રોગ્રમ હોય ત્યારે મોટાપાયા પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. ઈન્દ્રેશકુમારે કહ્યું કે દુનિયામાં જે લોકો નફરત ફેલાવે છે, લડાવે છે તે લોકો આરએસએસ સાથે વેરભાવના રાખે છે.
ઈન્દ્રેશકુમાર કહ્યું કે હઝરત મહોમ્મદ રસુલની ઉમ્મત પર ભરોસો છે અને આ ભરોસા પર આવ્યો છું. ગામેગામથી મુસ્લિમ મહિલાઓ અને પુરુષોની હાજરી બતાવે છે તે તમામ વર્ગના લોકો મોદી સરકાર ઈચ્છે છે. પાંચ વર્ષમાં લઘુમતિ સમાજને ભરોસો આવી ગયો છ કે મોદી જુલમ નથી પણ ઈન્સાફ કરે છે, પ્રેમ છે. કેટલાક લોકોનું માનવુ હતુ કે મોદી આવશે તો ડરનો માહોલ બનશે પરંતુ 2014થી આવું બન્યું નથી. પાંચ વર્ષમાં કોઈ પણ ધર્મના ગ્રંથનું એક પણ પાનું ફાટ્યું નથી. તમામ ધર્મના ગ્રંથની સુરક્ષા વધી છે.
તેમણે જણાવ્યું કે ભાજપ સરકારમાં હજનો ક્વોટા વધ્યો છે. ગસ કનેક્શનની સુવિધા મળી છે. સરવે અને દેશના લોકોનો અભિપ્રાય તથા મીડિયાના અહેવાલ જોતા ફરી એક વાર મોદી સરકાર બનશે.
તેમણે કહ્યું કે પ્રજ્ઞા ઠાકુર એક સાધ્વી છે. કોંગ્રેસે એક મહિલા પર જુલમ કર્યો હતો એ હવે પુરવાર થઇ ગયું છે. સચ્ચાઈ પર જુલમ શક્ય છે પણ જીત છેવટે સચ્ચાઈની થાય છે. વર્ષ 2013માં સરકારે જાહેરાત કરી હતી કે રૂ 25 હજાર કરોડ નું પેકેજ લઘુમતિ સમાજને આપવામાં આવ્યું છે તો ક્યાં ગયું એ પેકેજ , ક્યાં ગયા એ રૂપિયા.
તેમણે કહ્યું કે લોકો મને પૂછે છે કે મુસ્લિમોના કાર્યક્રમમાં હાજરી આપો છો તો કોઈ તમને મારી નહીં નાંખે. હું વિશ્વાસ અને ભરોસા પર આવ્યો છું અને મને વિશ્વાસ છે કે મને ઉની આંચ પણ આવશે નહીં. આજે મેં ખુદાઈ અને ખૂનના સંબંધો સાથે આવ્યો છું. નફરતની સર્જિકલ સ્ટ્રાઈકથી ખૂન વહે છે. હું અહીંયા પ્રેમની સર્જિકલ સ્ટ્રાઈક માટે આવ્યો છું. આ સંબંધને હિન્દુસ્તાની સંબંધ કહેવાય છે. મારું પણ આતંકવાદી સંગઠનોએ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ બચી ગયો.
તેમણે કહ્યું કે આઝમ ખાને ઈસ્લામ અને મુસ્લિમોને દાગદાર કર્યા છે, મા, દિકરી અને કરોડો લોકોનું અપમાન કર્યું છે. આઝમ ખાન જેવા શબ્દો કોઈ પણ મુસ્લિમ બોલવાનું પસંદ કરતો નથી. આઝમ ખાનને ઈસ્લામમાંથી બરખાસ્ત કરી દેવા જોઈએ. આઝમ ખાનનો અપરાધ માફી લાયક નથી. તેમણે નવજોત સિદ્વુની પણ આકરી ટીકા કરી હતી અને કહ્યું કે નવજોત સિદ્વુનું નિવેદન ગુજરાતીઓનું અપમાન છે.