અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક જ દિવસમાં સેંકડો લોકો તેનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતની રાજકીય પાર્ટી એનસીપીના મંત્રી પદેથી રાજીનામુ આપનાર અને જન સંકલ્પ મોર્ચા (નવી રાજકીય પાર્ટી)ની રચના કરનાર શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા રાજકીય વર્તુળોમાં સોંપો પડી ગયો છે.
નવી પાર્ટીની રચના સાથે જ શંકરસિંહ વાઘેલાએ કોરોનાને લઈને સરકારને આડેહાથે લીધી હતી. હવે જયારે શંકરસિંહ વાઘેલાને તાવની તકલીફ જણાતા કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોતાના ઘરે જ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, જેમને ઘરે જ કોરોનાની સારવાર આપવામાં આવશે. આ સાથે જ છેલ્લા કેટલાક દિવસોમાં શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરેન્ટીન કરવાની કાર્યવાહી પણ તંત્રએ હાથ ધરી છે.