કોલકાતામાં મમતાની રેલીમાં વિપક્ષનો જમાવડો થયો છે. મમતા બેનરજીના નેતૃત્વમાં ચાલી રહેલી રેલી દરમિયાન પૂર્વ પ્રધાન મંત્રી, ત્રણ મુખ્યમંત્રી, 6 પૂર્વ મુખ્યમંત્રી અને પાંચ પૂર્વ કેન્દ્રીય પ્રધાનો હાજર રહેલા જોવા મળી રહ્યા છે.
રેલીમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા, પૂર્વ મંત્રી યશવંતસિંહા, અરુણ શૌરી, રામ જેઠમલાણી સહિતના નેતાઓની હાજરી પણ જોવા મળી છે. આ તમામ નેતાઓ દ્વારા ભાજપ સરકારની આકરી ટીકા કરવામાં આવી હતી. જ્યારે ભાજપે શત્રુઘ્નસિંહા સામે કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. શોટ ગન સહિતના નેતાઓની ભાજપમાંથી હકાલપટ્ટી કરવાના ભણકારા વાગી રહ્યા છે.
શત્રુઘ્નસિંહાએ રેલીમાં સંબોધન કરી કહ્યું કે જો તમે છુપાવશો તો ફરી પાછું કહેવાશે કે ચોકીદાર ચોર છે.
શત્રુઘ્નસિંહાની રેલીમાં ઉપસ્થિતિને લઈ ભાજપના નેતા રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે કેટલાક લોકો ભાજપનું સ્ટેમ્પ લઈને સાંસદોને મળતી સુવિધાનો લાભ લેવા માંગે છે. રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે સ્વાર્થ માટે આટલા બધા લોકો એક મંચ પર જોવા મળી રહ્યા છે. આ લોકોનો હેતુ માત્ર મોદી સરકારને હટાવવાનો છે.
રૂડીએ કહ્યું કે બધા જ સિદ્વાંતવિહિન લોકો એક સ્ટેજ ભેગા થયા છે. શત્રુઘ્નસિંહા અંગે તેમણે કહ્યું કે પાર્ટીએ તેમના અંગે જાણકારી મેળવી લીધી છે. કેટલાક લોકોની મહત્વકાંક્ષા ખૂબ જ વધી ગઈ છે. આવા પ્રકારનું વલણ પાર્ટી અને લોકો સાથે વિશ્વાસઘાત કરવા બરાબર છે.