સોમવારે લોકસભામાં નાગરિકતા સુધારા ખરડાને ટેકો આપનારી શિવસેના બુધવારે રાજ્યસભામાં આ ખરડાના મુદ્દે મોદી સરકારને દગો આપી શકે છે એવા અણસાર મળ્યા હતા. હાલ રાજ્યસભામાં મોદી સરકારના 119 સભ્યો છે. વિપક્ષના 100 સભ્યો છે. શિવસેના દગો આપે તો ભાજપની બાજી બગડી શકે છે. રાજ્યસભાના 19 સભ્યો એવા છે જેમનું વલણ હજુ સ્પષ્ટ નથી. આજે મંગળવારે સવારે શિવસેનાના સંજય રાઉતે એવું વિધાન કર્યુ ંહતું કે હવે અમે એનસીપી અને કોંગ્રેસ સાથે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર રચી છે એટલે નાગરિકતા સુધારા ખરડા અંગે અમે પુનઃવિચાર કરી શકીએ છીએ.
રાજકીય પંડિતો માને છે કે આ વિધાનનો અર્થ એવો પણ થઇ શકે કે રાજ્યસભામાં શિવસેના ભાજપને મતદાન દરમિયાન દગો આપી શકે છે. આમેય છેક 2014થી શિવસેના ભાજપનો સાથીદાર હોવા છતાં સતત મોદી સરકારની વિરુદ્ધ સામનામાં એલફેલ લેખો પ્રગટ કરતી રહી હતી અને સંજય રાઉત ભાજપના ટોચના નેતાઓ માટે અત્યંત હલકી ભાષામાં વિધાનો કરતા હતા. આમ છતાં ભાજપની નેતાગીરીએ શિવસેના વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. એટેલ કદાચ શિવસેના એવું માનતી થઇ ગઇ છે કે ભાજપ અમારું કશું બગાડી શકે એમ નથી. આમ પણ બુધવારે રાજ્યસભામાં ભાજપે સાવધ રહેવું જરૂરી છે. જો કે ભાજપના વ્યૂહ ઘડનારાઓ પૂર્વતૈયારીમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું હતું.