INX મીડિયા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસના આરોપી ચિંદમ્બરમની જામીન અરજી પર સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનવાણી થવાની છે ત્યારે આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કાર્તિચિંદમ્બરમ તેમને મળવા માટે તિહાડ જેલ પહોંચ્યા છે. આ પહેલા 19 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની કસ્ટડી બીજી વખત 14 દિવસ માટે વધારી દીધી છે. ચિંદમ્બરમ 3જી ઓક્ટોબર સુધી તિહાડમાં રહેશે.
ગત સુનાવણીમાં સીબીઆઈએ પહેલા ચિદમ્બરમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે નાણાંમંત્રી હોવા દરમિયાન ચિંદમ્બરમે પોતાના પદનો દૂરઉપયોગ કરીને ગેરકાયદે રકમની માંગ કરી હતી. ફેમા હેઠળ કરાયેલી અનિયમિતતાઓને દબાવવા માટે આ રકમની માંગ કરાઈ હતી. INX મીડિયા કેસમાં આરોપી પીટર અને ઈંદ્રાણી મુખર્જીએ આ રકમની ચુકવણી કરી હતી. ચિંદમ્બરમ અને દીકરા કીર્તિને આ રકમ ભારત અને વિદેશમાં ચુકવવામાં આવી હતી.
સીબીઆઈએ 305 કરોડ રૂપિયાની અનિયમિતતા અંગે કેસ કર્યો હતોઃચિંદમ્બરમ પર આરોપ છે કે જ્યારે તે નાણાંમંત્રી હતા ત્યારે તેમણે લાંચ લઈને INX મીડિયાને 2007માં 305 કરોડ રૂપિયા લેવા માટે વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડ દ્વારા મંજૂરી અપાવી હતી. ઈડીએ પણ મની લોન્ડરિંગ મામલે તેમની પુછપરછ કરી રહી છે. ચિંદમ્બરમ આ મામલે જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.
21 ઓગસ્ટે ચિંદમ્બરમની ધરપકડ કરાઈ હતીઃસુપ્રીમ કોર્ટે ચિંદમ્બરમને 5 સપ્ટેમ્બરે 14 દિવસ માટે જ્યુડિશીઅલ કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવાયા બાદ સીબીઆઈએ તેમની 21 ઓગસ્ટે ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસ એજન્સીએ ભ્રષ્ટાચારના કેસમાં કસ્ટડીમાં લઈને 14 દિવસ સુધી પુછપરછ કરી હતી.