ગુજરાતની તાલાલા વિધાનસભાની પેટાચૂંટણીના કાયદાકીય જંગમાં સુપ્રીમ કોર્ટમાંથી ભાજપ અને ચૂંટણી પંચને મોટી લપડાક મળી છે. સુપ્રીમ કોર્ટે તાલાલા વિધાનસભાની પેટાચૂંટણી પર સ્ટે આપી દીધો છે.
ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની સાથે તાલાલા વિધાનસભાની ચૂંટણી પણ જાહેર કરી હતી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેચે કેસની સુનાવણી કરી હતી. કોંગ્રેસના ગેરલાયક ઠેરવાયેલા ધારાસભ્ય ભગવાન બારડે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યો હતો.
નીચલી અદાલતના ચૂકાદ અંગે બારડે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ 27મી માર્ચે ભગવાન બારડની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો અને ચૂંટણી પણ યોજવા દેવાને લીલીઝંડી આપી હતી. ખનન કેસમાં ભગવાન બારડને નીચલી અદાલતે સજા કરી છે તેને લઈ ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ભગવાન બારડને ઘારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવ્યા હતા.
સુપ્રીમ કોર્ટના સ્ટે અંગે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું કે ભાજપની કિન્નાખોરી ઉધાડી પડી ગઈ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોંગ્રેસ આવકારે છે. ભાજપ ગેરબંધારણીય રીત કામ કરી રહ્યું છે તેનો ચહેરો ખૂલ્લો પડી ગયો છે.