સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વાર પાટીદાર સમાજના યુવા ચેહરા અશોક આધેવાડા(પટેલ-સાંસપરા)ને ટીકીટ આપવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ સત્તાવાર રીતે નામ જાહેર કરવામાં કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. સુરત મહાનગર પાલિકાના વિપક્ષ નેતા પપ્પન તોગડીયાની સમર્થક મનાતા કોર્પોરેટર સોનલ દેસાઈએ ભાજપનો ખેસ ધારણ કરી લેતા મોટાપાયા પર હંગામો શરૂ થઈ ગયો છે.
કોંગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ ગઈ રાત્રે દિલ્હીથી મીડિયાને જાણ કરવામા આવી હતી કે સુરત લોકસભા બેઠક પર અશોક આધેવાડાની ટીકીટ ફાઈનલ કરવામાં આવી છે. અશોક આધેવાડાના સમર્થકોએ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. ત્યાર બાદ આજે સવારે બારડોલી લોકસભાની ભાજપના ઉમેદવાર પ્રભૂ વસાવાનું ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રોગ્રામમાં સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર-15ના મહિલા કોર્પોરેટર સોનલ દેસાઈ ભાજપના સ્ટેજ પર પહોંચી ગયા હતા અને ત્યાર બાદ તેમણે કહ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ ચાલતો હોવાથી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
કોંગ્રેસના સૂત્રોએ કહ્યું હતું કે સોનલ દેસાઈને ટીકીટ હસમુખ દેસાઈ અને પપ્પન તોગડીયા મારફત આપવામાં આવી હતી. હસમુખ દેસાઈ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ખાસ વિશ્વાસુ મનાય છે અને તેમના સમર્થક કોર્પોરેટર દ્વારા ભાજપમાં જવાનો નિર્ણય કરવામાં આવતા પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સાણસામાં આવી ગઈ છે અને અશોક આધેવાડાનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી રહ્યું નથી.
જાણવા મળ્યા પ્રમાણે સુરત લોકસભાની બેઠક પર પપ્પન તોગડીયાએ દાવેદારી કરી છે અને તેમણે કોંગ્રેસમાં ચીમકી ઉચ્ચારી છે કે જો અશોક આધેવાડાને જ ટીકીટ આપવાની જાહેરાત કરવામાં આવશે તો આઠથી દસ જેટલા પાટીદાર કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જશે. કોંગ્રેસમાં થયેલા ભડકાના કારણે ગુજરાત કોંગ્રેસ ફિક્સમાં મૂકાઈ જવા પામી છે અને ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પપ્પન તોગડીયા અને હસમુખ દેસાઈએ વિકલ્પમાં ધનશ્યામ ખેમાણનું નામ પણ મૂક્યું હોવાથી બન્નેમાંથી એકને ટીકીટ આપવાની જાહેરાત કરવા માંગ કરી છે.
બીજી તરફ ભાજપ તરફી મનાતા ગોવિંગ ભગતના છાવણી સાથે ધનશ્યામ ખેમાણીનો નિકટનો ધરોબો હોવાથી કોંગ્રેસનું એક જૂથ ઘનશ્યામ ખેમાણીનો વિરોધ કરી રહ્યું છે. ગોવિંદ ભગત અને ધોળકીયા ફેમિલીના પણ સારા સંબંધો છે ત્યારે સુરત લોકસભાની સીટ હાંસલ કરવા બરાબરીનો ખેલ જામ્યો છે.