કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટેના ઘણા બધા ઉપાયોની જાહેરાત કરી છે. તાજેતરમાંજ જીડીપીના આંકડાઓ જાહેર થયા બાદ ચારેય તરફથી પ્રશ્નોનો મારો થઈ રહ્યો છે કે શું ખરેખરમાં મંદી છે કે પછી આ ફક્ત મંદીના ભણકારા જ છે. આ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રીએ સુશીલ મોદીએ વિચિત્ર નિવેદન આપ્યું છે.
સુશીલ મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે ‘શ્રાવણ અને ભાદરવા મહિનામાં તો દર વર્ષે આપણે મંદીનો સામનો કરવો જ પડતો હોય છે. પરંતુ આ વર્ષે કેટલાક રાજકીય પક્ષો આ મંદીના નામે વધારે પડતો દેકારો કરીને ચૂંટણીમાં પરાજય મળ્યાનો ગુસ્સો ઉતારી રહ્યા છે.’ તેમણે કહ્યું કે નાણામંત્રીએ કહ્યું છે કે આર્થિક મંદીના કારણે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે કેન્દ્ર સરકાર આ પરિસ્થિતિ સામે લડવા માટેના ઉપાયો શોધી જ રહી છે.
બિહારના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે બિહારમાં મંદીની કોઈ ખાસ અસર નથી થતી. તેથી અહીં વાહનોના વેચાણમાં પણ ઘટાડો નથી થયો. તેમજ કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં ત્રીજા પેકેજની જાહેરાત કરવાના છે. કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે 31 સૂત્રી રાહત પેકેજની જાહેરાત કરી છે અને 10 નાની બેંકોના એકીકરણની પહેલ કરી છે. સરકારના આ ઉપાયોનો પ્રભાવ આગામી ત્રિમાસિકમાં જોવા મળશે.