નવી દિલ્હી : કોરોના વાયરસ રોગચાળા સામે લડવા માટે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત દેશના ઘણા ડોકટરો, નર્સો અને વૃદ્ધ લોકો સાથે વાત કરી રહ્યા છે. આ જ ક્રમમાં શનિવારે વડાપ્રધાન મોદીએ અચાનક બિહારના પૂર્વ ધારાસભ્ય ચંદ્રમૌલી મિશ્રા સાથે ફોન પર વાત કરી હતી.
હકીકતમાં, 26 એપ્રિલે સવારે 9.23 વાગ્યે ભૂભુઆના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ કાર્યકર ચંદ્રમૌલી મિશ્રા ઘરે બેઠા અખબાર વાંચી રહ્યા હતા, તે દરમિયાન તેમના ફોનની ઘંટડી વાગી, કોલ રિસીવ કરતા જ બીજી બાજુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમસ્કાર કહ્યું. આ સાંભળ્યા પછી, 91 વર્ષના ચંદ્રમૌલી મિશ્રા ખુશથી ગદગદ થવાની સાથે ભાવનાશીલ બની ગયા હતા.
વડાપ્રધાને તેમના ખબર – અંતર પૂછ્યા અને લોકડાઉન, કોરોનાને રોકવાના પ્રયાસો વિશે વાત કરી. વડાપ્રધાને તેમના સ્વાસ્થ્ય વિશે પણ પૂછ્યું. વડાપ્રધાન મોદીએ ચંદ્રમૌલી મિશ્રા સાથે લગભગ ચાર મિનિટ સુધી વાત કરી.
વડાપ્રધાન મોદી સાથે વાત કર્યા બાદ ચંદ્રમૌલી મિશ્રા ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, તેમણે ક્યારેય વિચાર્યું નથી કે તેમના જેવા ભાજપના નાના કાર્યકર, જે લગભગ ચાલીસ વર્ષથી પાર્ટીની સેવા કરતા રહ્યા, આ તબક્કે પણ વડાપ્રધાનનો ફોન આવે. કોલ પ્રાપ્ત થયા પછી, તે ખૂબ જ ખુશ થયા અને આ દિવસને તેના જીવનનો શ્રેષ્ઠ દિવસ ગણાવ્યો. ચંદ્રમૌલી મિશ્રા જન સંઘની ટિકિટ પર 1969માં ભભુવા મત વિસ્તારમાંથી ચૂંટાયા હતા. નોંધનીય છે કે, હાલના દિવસોમાં વડાપ્રધાન મોદી સતત ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા જૂના નેતાઓ સાથે ફોન પર વાત કરી રહ્યા છે અને તેમની સંભાળ લઈ રહ્યા છે.