ત્રિપુરામાં વડાપ્રધાન મોદીએ શનિવારે જાહેરસભાને સંબોધન કર્યું ત્યારે ત્યાંના રાજ્યકક્ષાના અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કાંતિ દેવ દ્વારા સાથી મહિલા મંત્રીને ખોરી દાનત સાથે સ્પર્શ કરતાં વિવાદ ગરમાયો છે. વિપક્ષ ડાબેરીઓએ મંત્રીને બરખાસ્ત કરવાની માંગ કરી છે પણ ભાજપે વિપક્ષની માંગ ફગાવી દીધી છે.
ડાબેરી મોરચાના સંયોજક બિજન ઘરે પત્રકારોને કહ્યું કે જે સ્ટેજ પર વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિપ્લવ દેવ અને અન્ય લોકો જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા તે સ્ટેજ પર મહિલા મંત્રીને ખોટી રીતે સ્પર્શ કરવામાં આવ્યું. સરકારે તાત્કાલિક કાંતિ દેવને બરખાસ્ત કરી દેવા જોઈએ અને તેમની ધરપકડ કરવામાં આવે.
તેમણે કહ્યું કે સ્ટેજ પરનો વીડિયો સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થયો છે અને તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે કાંતિ દેવ દ્વારા સમાજ કલ્યાણ અને સામાજિક શિક્ષા મંત્રી સંતના ચકમાને કમર પર હાથ મૂકવામાં આવે છે. ચકમા એક આદિવાસી મહિલા છે. જોકે, મીડિયા આ વીડિયોની પૃષ્ટિ કરતી નથી.
તેમણે કહ્યું કે ત્રિપુરાનાં મંત્રી મંડળમાં એક આદિવાસી મહિલાના ચીર, પવિત્રતા અને મર્યાદાને જાહેરમાં સ્ટેજ પરથી હાનિ પહોંચાડવામાં આવી છે. અને તે પણ એવી જગ્યાએ જ્યાં વડાપ્રધાન મોદી અને અન્ય નેતાઓ ઉપસ્થિત હોય.
ડાબેરા મોરચાએ કહ્યું ત્રિપુરામાં 11 મહિનાથી ભાજપની સરકાર ચાલી રહી છે. ભાજપની સરકારમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી ગયા છે ત્યારે આદિવાસી મહિલા મંત્રીની સાથે આવા પ્રકારનો વ્યવહાર નિંદનીય અને દંડનીય છે. કેટલાક આદિવાસી સંગઠનો પણ મંત્રીની ધરપકડને લઈ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે.
ભાજપના નેતા નબેન્દુ ભટ્ટાચાર્યે કહ્યું કે ભાજપ વિરુદ્વ ડાબેરીઓ પાસે કોઈ મુદ્દો નથી એટલે ભાજપના નેતાઓનું ચરિત્રહનન કરવામાં આવી રહ્યું છે. ડાબેરીઓ ગંદી રાજનીતિ કરી રહ્યા છે.