મુંબઈ/સાંગલીઃ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ માટે ઉદ્ધવ ઠાકરેએ સાંગલીના વિટા વિસ્તારમાં રહેતા વિઠ્ઠળ ભક્ત ખેડૂત દંપતિને ખાસ નિમંત્રણ મોકલ્યું છે. શિવસેનાએ શપથ ગ્રહણમાં સામાન્ય લોકોને પણ સાંકળવાનો પ્રયાસ કર્યો છે.
હકીકતમાં 15 નવેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરેએ નપે સાંગલીના વિટા વિસ્તારની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની મુલાકાત સંજય સાવંત અને તેની પત્ની રૂપાલી સાવંત સાથે થઈ હતી. આ ખેડૂત અને વિઠ્ઠલ ભક્તોએ શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માગણી કરી હતી. ભગવાન વિઠ્ઠળની નગરી પંઢરપુરથી ચંદ્રભાગા નદીમાંથી લાવેલું તીર્થ અને તુલસીની માળા પણ ઉદ્ધવ ઠાકરેને ભેટમાં આપવામાં આવી હતી. સાથે જ શિવસેનાનો મુખ્યમંત્રી બને તેના માટે આ દંપતિએ 5 દિવસનો ઉપવાસ પણ રાખ્યો હતો.
આ દંપતિ 90 કિમી સુધી ચપ્પલ પહેર્યા વગર ભગવાન વિઠ્ઠલના દર્શન કરવા માટે પંઢરપુર ગયા હતા. હવે ઉદ્ધવ ઠાકરેએ આ દંપતિને નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં બોલાવ્યું છે. શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે તેમને ફોન કર્યો અને ઉદ્ધવ ઠાકરેનું નિમંત્રણ વિઠ્ઠલ ભક્ત ખેડૂત દંપતિને આપ્યું છે. આ દંપતિ ગુરૂવારે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ આવી રહ્યું છે.