(ગુલઝાર ખાન દ્વારા): વલસાડ લોકસભાની ટીકીટની જાહેરાત થતાં જ વર્તમાન સાંસદ ડો.કેસી પટેલને પોતાના ઘરમાંથી જ વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. 2009માં કોંગ્રેસના ઉમેદવાર કિશન પટેલની સામે ઉભા રહેલા અને કોંગ્રેસને માત્ર સાત હજારની સરસાઈથી જ જીતવા દેનારા ડીસી પટેલના તેવર આક્રમક જણાઈ છે. વલસાડમાં કોંગ્રેસના તાળાને ડીસી પટેલે જ ખોલ્યું હતું તે ડીસી પટેલ હવે ભાજપની નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા છે અને આ નારાજીના કારણે વલસાડ ભાજપમાં નવાજૂનીના ભણકારા વાગી રહ્યા છે.
આજે જ્યારે ડીસી પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને આવકાર્યા ત્યારે બન્ને નેતાઓ ભેટ્યા હતા. ડીસી પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધીરીના ફોટા સોશિયલ મીડિયામાં ખાસ્સા વાયરલ થયા હતા. એવું કહેવાય છે કે આ ફોટો ભાજપના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પાસે જ હતા. અરવિંદ પટેલ પાસેના ફોટો વાયરલ થય બાદ ભાજપનાં ભારે ઉહાપોહ મચી ગયો છે. ડીસી પટેલ અને જીતુ ચૌધરી વચ્ચેની મુલાકાતને ભાજપ માટે સારા સંકેત ગણવામાં આવી રહી નથી.
લોકસભાની ચૂંટણી ટાણે બન્ને નેતાઓ વચ્ચેની મુલાકાતમાં શું વિચારણા કરવામાં આવી તે અંગે કોઈ ફોડ પાડીને કહી શકતું નથી. વલસાડ ભાજપ માટે આવનાર દિવસો ખરાખરીના બની રહેવાની શક્યતા જોવા મળી રહી છે.
ડીસી પટેલ અને તેમના સમર્થકોની માંગ હતી કે આ વખતે વલસાડ બેઠક પરથી કેસી પટેલના બદલે ડીસી પટેલને ટીકીટ આપવામાં આવે પરંતુ ભાજપ હાઈકમાન્ડે કેસી પટેલને રિપીટ કરતાં ડીસી પટેલે પોતાની નારાજગી જાહેર કરી છે.
ડીસી પટેલે ફોન પર જણાવ્યું કે જીતુ ચૌધરી ઉમેદવાર છે અને મારા ધરે મળવા આવ્યા હોય તો મારે તેમને આવકાર આપવો પડે. તેઓ વર્ષો જૂના મિત્ર છે અને આ મુલાકાત મિત્રતાભાવે થઈ હતી. આશિર્વાદ લેવા માટે આવ્યા હતા એનાથી વિશેષ કશું નથી. કોંગ્રેસમાં જોડાવાનો કોઈ વિચાર ન હોવાનુ તેમણે જણાવ્યું હતું.