શું વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તો આ પ્રશ્નનો જવબા રાહુલ ગાંધી પાસે પણ નથી. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના કાકાના દીકરા એટલે કે પિતરાઇ ભાઇ અને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના નેતા વરુણ ગાંધીને કોંગ્રેસમાં લાવવાની હિલચાલ શરૂ કરી દેવાઇ છે. આમ છતાં, રાહુલે આ પ્રકારના કહેવાતા પ્રયાસ અંગે પોતે અજાણ હોવાની સ્પષ્ટતા કરી હતી. વરુણ ગાંધી હાલમાં ઉત્તર પ્રદેશની સુલતાનપુર બેઠકનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. વરુણ ગાંધીની માતા મેનકા ગાંધી કેન્દ્રમાંની નરેન્દ્ર મોદીની સરકારમાં મહિલાઓ અને બાળવિકાસ ખાતાના પ્રધાન છે. એવું મનાય છે કે 10મી ફેબ્રુઆરીએ રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે એક જ સ્ટેજ પર જોવા મળવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
કોંગ્રેસે વરુણ ગાંધીને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હોવાનું કહેવાય છે અને જો તેઓ માની જાય તો તેમનો ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયે કોંગ્રેસમાં સમાવેશ થઇ શકે છે. તેમને કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના અધ્યક્ષ બનાવવાની યોજના હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. કોંગ્રેસના એક નેતાએ દાવો કર્યો હતો કે વરુણ ગાંધી અને તેની પિતરાઇ પ્રિયંકા ગાંધી વડરાની વચ્ચે અવારનવાર વાતચીત થતી રહે છે.
દરમિયાન, રાહુલે ભુવનેશ્વરમાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભાજપની જનની છે અને તે ન્યાયતંત્ર અને શૈક્ષણિક સંસ્થાઓ સહિતની દેશની બધી સરકારી સંસ્થા પર કબજો લેવા માગે છે.
તેમણે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે ભારતનું સંચાલન દેશના 1.2 અબજ નાગરિકોને સાથે લઇને કરવું જોઇએ. દેશનું સંચાલન એક જ પ્રકારના લોકો અને એક જ પ્રકારની વિચારધારાથી થઇ ન શકે. અમે દેશની સરકારી સંસ્થાઓના સંચાલન માટે ભાજપથી અલગ પ્રકારના વિચાર ધરાવીએ છીએ. કોંગ્રેસ વિકેન્દ્રીયકરણ અને સંસ્થાઓની સ્વતંત્રતામાં માને છે.
રાહુલે જણાવ્યું હતું કે દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ અને આરોગ્ય સેવામાં કોઇની ઇજારાશાહી ન હોવી જોઇએ. મધ્યમ વર્ગના લોકો સારા શિક્ષણ માટે અને આરોગ્ય માટે કરોડો રૂપિયા ખર્ચે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ ઇશાન ભારતમાંની અશાંતિ માટે જવાબદાર છે. ભાજપ આ વિસ્તારનું રાજકીય હેતુસર ધ્રુવીકરણ કરી રહ્યો છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ એક ભાઇને બીજા ભાઇ સાથે લડાવે છે અને સમાજમાં દ્વેષભાવ વધારે છે. ભાજપ ઇશાન ભારતમાં વંશ અને ધર્મને આધારે દુશ્મનાવટ ઊભી કરે છે.
તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ જો ઓડિશામાં સત્તા પર આવશે તો દસ દિવસમાં જ ખેડૂતોનું કરજ માફ કરશે. મોદી અને ઓરિસ્સામાંના તેમના નાના ભાગીદાર (નવીન પટનાયક) પોતાના મિત્ર ઉદ્યોગપતિઓને ‘ભેટ’ આપે છે અને ખેડૂતોને મૂર્ખ બનાવે છે.