VHP( વિશ્વ હિન્દુ પરિષદ) દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. VHPએ કહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી સુધી રામ મંદિર અંગે કોઈ આંદોલન કરવામાં આવશે નહીં. VHPએ ચૂંટણી સુધી આંદોલન સ્થિગત કરવાની જાહેરાત કરી છે. VHPના આંતરરાષ્ટ્રીય મહાસચિવ સુરેન્દ્ર જૈને નવી દિલ્હીમાં જાહેરાત કરતા કહ્યું VHP નથી ઈચ્છતી કે રામ મંદિર ચૂંટણીનો મુદ્દો બને. આના કારણે ચાર મહિના સુધી રામ મંદિર આંદોલન પર બ્રેક મારવામાં આવી છે.
સુરેન્દ્ર જૈને કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ પ્રતિબદ્વ છે અને નવી સરકારની રચના બાદ આ અંગે નિર્ણય કરવામાં આવશે. અત્રે જણાવી દઈએ કે VHPનો નિર્ણય ઈલ્હાબાદમાં કુંભમાં યોજાયેલી ધર્મ સંસદ બાદ લેવામાં આવ્યો છે. ધર્મ સંસદે મંદિર નિર્માણ સુધી આરામ નહીં કરવાન વાત કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવનાર છે. કોર્ટમાં આ અંગે કેસ ચાલી રહ્યો છે. 29મી જાન્યુઆરીએ સુનાવણી થવાની હતી પરંતુ પાંચ જજ પૈકી જસ્ટીસ એએસ બોબડે રજા પર હોવાના કારણે સુનાવણી કરી શકાઈ ન હતી.
આ ઉપરાંત બિન વિવાદિત જમીનને લઈ મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી બિન વિવાદિત જમીન સરકારને પરત આપવાની માંગ કરી છ. સરકારે કોર્ટને કહ્યું છે કે માત્ર 0.313 એકર જમીન અંગે વિવાદ છે. જ્યારે બાકીની જમીન પર કોઈ વિવાદ નથી. જેથી કરીને બાકીની જમીન પર યથાસ્થિતિ રાખવાની કોઈ જરૂરિયાત જણાતી નથી.