વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાતોરાત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને દિલ્હી બોલાવી નરેશભાઇ પટેલનો કોંગ્રેસ પ્રવેશ છેલ્લી ઘડીએ અટકાવી દીધો.
પાટીદાર સમાજને ભાજપે ઘણુ આપ્યુ છે સમાજમાં ભાગલા પડાવવાનો મારો હેતુ નથી રાજી ખુશીથી કોઇપણ દબાણ કે શરત વિના ભાજપની વિકાસ યાત્રામાં સામેલ થયો છું: નરેશભાઇ પટેલનું નિવેદન
સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલનો કોંગ્રેસમાં પ્રવેશ છેલ્લી ઘડીએ અટકાવવામાં ભાજપ સફળ રહ્યો છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે મોડી રાતે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મૂલાકાત કરાવી નરેશભાઇને કેસરિયો ખેસ પહેરાવવા મનાવી લીધા હોવાનું અત્યંત વિશ્ર્વસનિય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે. આગામી 21મી એપ્રીલના રોજ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે નરેશભાઇ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ જશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતા પાટીદાર સમાજના કદાવર નેતા અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ કોંગ્રેસમાં જોડાઇ રહ્યાની વાત ફાઇનલ થઇ ગઇ હોવાનું તમામ રાજકીય પંડિતો માની રહ્યા હતા. પરંતુ હંમેશા કંઇક નવુ જ કરવા માટે જાણીતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે નરેશભાઇ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી અટકાવવા માટેનો હવાલો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સોંપ્યો હતો. જરૂર પડે તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાને સાથે રાખવાની પણ સૂચના આપી હતી. ગઇકાલે રાત્રે વિજયભાઇ મારૂતી ગાડીએ દિલ્હી દોડી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા નરેશભાઇ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક કરાવી દીધી હતી.
વડાપ્રધાને નરેશભાઇ પટેલ સાથેની મીટીંગમાં જણાવ્યુ હતું કે પાટીદાર સમાજ અને ભાજપ ગુજરાતમાં એક અભિન્ન અંગ છે. છેલ્લા 27 વર્ષના શાસન દરમિયાન ગુજરાતની ભાજપ સરકારે પાટીદારોને માંગ્યા વિના પૂષ્કળ આપ્યુ છે. ઉમીયાધામ, ખોડલધામ અને સરદારધામમાં પણ સરકારનો સહયોગ રહ્યો છે. વડાપ્રધાનેએ વાત પણ યાદ અપાવી હતી કે તાજેતરમાં જ્યારે તમોએ (નરેશ પટેલે) એવું નિવેદન આપ્યુ હતું કે મુખ્યમંત્રી પદે પાટીદાર સમાજનો વ્યક્તિ હોવો જોઇએ. જેની ગંભીરતાને પારખી ગુજરાતમાં ભાજપે રાતોરાત નેતૃત્વ પરિવર્તન કરી ગુજરાતની ગાદી પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્રભાઇ પટેલને સોંપી દીધી હતી.
ભાજપે હમેંશા પાટીદારનું હિત જોયુ છે અને હમેંશા સવાયુ આપવાનો પ્રયાસ કર્યો છે. જો તમે કોંગ્રેસમાં જશો તો પાટીદાર સમાજના બે ભાગલા થઇ જશે. આવુ ન થાય તે માટે તમારે રાજકારણમાં સક્રિય થવુ હોય તો ભાજપમાં જોડાવવુ જોઇએ અથવા રાજકારણમાં સક્રિય ન થવુ જોઇએ. વડાપ્રધાનની વાત નરેશભાઇ પટેલને સારી રીતે ગળે ઉતરી ગઇ હતી. ગઇકાલે મોડી રાતે નરેશભાઇ પટેલે પોતાનો વિચાર ફેરવી નાંખ્યો છે અને હવે કોંગ્રેસમાં નહી પરંતુ ભાજપમાં જોડાવવાનો નિર્ણય લઇ લીધો છે.
એક નિવેદનમાં નરેશભાઇ પટેલે એવુ પણ જણાવ્યુ હતું કે ભાજપ હમેંશા પાટીદારોનું હિત જોયુ છે અને માંગ્યા વિના સમાજને ઘણુ આપ્યુ છે. સમાજના બે ભાગલા ન થાય તે માટે મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાનની ગુજરાતની મૂલાકાત દરમિયાન હું સમર્થકો સાથે વિધિવત રિતે ભાજપમાં જોડાઇશ. કોઇપણ શરત કે હોદ્ા વિના ભાજપમાં પ્રવેશ કરી રહ્યો છું અને એક અદના કાર્યકર તરીકે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કામ કરતો રહીશ.
નરેશભાઇનો કોંગ્રેસમાં પ્રવેશ રોકવાનું ઓપરેશન એકમાત્ર વિજયભાઇ રૂપાણી જ પાર પાડી શકે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ધદ્રષ્ટી ભાજપ માટે ફરી એકવાર કારગત સાબિત થઇ છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓને ઉંઘતા રાખી વડાપ્રધાન વધુ એક ઓપરેશન પાર પાડવામાં સફળ રહ્યા છે. નરેશભાઇના ભાજપ પ્રવેશથી ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં 140 થી 150 બેઠકો જીતવાનો ભાજપનો લક્ષ્યાંક આસાનીથી પૂરો થઇ જશે.
શિવરાજને ચૂંટણી લડાવાશે કેબિનેટ મંત્રી પણ બનશે
નરેશભાઇ પટેલનો કોંગ્રેસમાં પ્રવેશ અટકાવવાનું ઓપરેશન વડાપ્રધાનના એસાઇનમેન્ટ મુજબ પાર પાડવામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સફળ રહ્યા છે. નરેશભાઇ હવે કોંગ્રેસમાં નહી પરંતુ ભાજપમાં પ્રવેશ કરશે તે વાત નિશ્ર્ચિત બની જવા પામી છે. જો કે તેઓ વિધાનસભાની આગામી ચૂંટણી લડશે
નહી. રાજકોટ દક્ષિણ વિધાનસભાની બેઠક પરથી તેમના પુત્ર શિવરાજ પટેલને ભાજપ પોતાનો ઉમેદવાર જાહેર કરશે. રાજ્યમાં ફરી ભાજપની સરકાર બનશે તો શિવરાજ પટેલને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે તે ફાઇનલ માનવામાં આવી રહ્યુ છે.