વડાપ્રધાન મોદી થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં પહોંચ્યા છે. અમેરીકામાં ‘હાઉડી મોદી’ની જેમ બેંકોકમાં ‘સ્વાસ્દી મોદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ‘સ્વાસ્દી મોદી’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી બેંકોકના નિમિબુત્ર સ્ટેડિયમમાં પહોંચ્યા. જ્યાં તેમણે ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યાં. અહીં તેમણે કહ્યું, ભારત-થાઈલેન્ડના સંબંધો માત્ર સરકારો વચ્ચે નથી, ઈતિહાસની દરેક પળે, ઈતિહાસની દરેક ઘટનાએ, આપણાં સંબંધોને વિકસીત કર્યાં છે, વિસ્તૃત કર્યાં છે અને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યા છે. આ સંબંધો દિલના છે, આત્માના છે, આસ્થાના છે, આધ્યાત્મના છે.
તેમણે કહ્યું કે, મને તે વાતની પણ ખુશી છે કે, વિશ્વમાં જ્યાં પણ ભારતીયો છે, તેઓ ભારતના સંપર્કમાં રહે છે. ભારતમાં શું થયું છે, તેની ખબર રાખે છે. છેલ્લા પાંચ વર્ષમાં મેં ઘણાં દેશોની યાત્રા કરી છે. દરેક જગ્યાએ ભારતીય સમુદાયના લોકોને મળવાનો પ્રયાસ કરું છું. પરંતુ જ્યારે પણ આવી મુલાકાત થાય છે, દરેકમાં મેં જોયું છે કે, ભારતીય સમુદાયમાં ભારત અને તેમના મેજબાન દેશની સભ્યતાનો સંગમ થાય છે. ‘હાઉડી મોદી’ની જેમ વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમ ‘સ્વાસ્દી મોદી’નો અર્થ છે. થાઈલેન્ડમાં સ્વાસ્દીનો અર્થ હેલો હોય છે. જ્યારે કોઈનો પરિચય કે અભિવાદન કરવામાં આવી રહ્યું હોય, ત્યારે થાઈલેન્ડમાં સ્વાસ્દી શબ્દનો ઊપયોગ કરવામાં આવે છે.