2019ની લોકસભા ચૂંટણી માટે પ્યાદાઓ ગોઠવાઈ રહ્યા છે. અપ્રિલ- મે મહિનામાં થનારી ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન્ટ શરૂ થઈ ગયું છે. રાજકીય પાર્ટીઓ પોતાના દાવ ગોઠવી રહી છે. યુપીમાં સપા-બસપા અને આરએલડીએ મહાગઠબંધન કરી લીધું છે અને કોંગ્રેસને બાકાત રાખી છે. કોંગ્રેસે કાઉન્ટર ગેમમાં મોટો દાવ રમ્યો છે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાઢરાને યુપીના પૂર્વ વિસ્તારની કમાન સોંપી છે. પ્રિયંકા ગાંધીને પૂર્વ યુપીની કમાન સોંપાતા ભાજપ જ નહીં પણ અન્ય પક્ષો માટે પણ કઠણાઈ ઉભી થવાની શક્યતા છે. સપા-બસપા જોડાણ પર પણ આની અસર પડશે.
લોકો સાથે સીધો સંપર્ક કરે છે પ્રિયંકા
2014ની લોકસભા ચૂંટણીમાં તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ દિકરી પ્રિયંકાને રાહુલ ગાંધી માટે અમેઠીમાં પ્રચાર કરવા મોકલી હતી. પ્રચાર માટે નીકળેલા પ્રિયંકા ગાંધીએ એસપીજીની સુરક્ષા તોડીને લોકો સાથે સીધો સંપર્ક કર્યો. એસપીજીના જવાનો સમજે તે પહેલાં તેમણે ઈંટોના ખડકલા પર બેસીને લોકો સાથે વાત કરવા માંડી. લોકોની સમસ્યાઓ જાણી. એસપીજીના જવાનોને આફરો ચઢી ગયો પણ આ જ વાત પ્રિયંકાને વિશેષ બનાવે છે. એવું કહેવાય છે કે જ્યારે પણ પ્રિયંકા અમેઠી કે રાયબરેલી જાય છે ત્યારે નાની-નાની મીટીંગ કરી લોકો સાથે વાત કરે છે.
લગ્ન માટે પરિવારજનોને રાજી કર્યા
રાજકારણના જાણકારો કહે છે કે પ્રિયંકાની અંદર તેમના દાદી ઈન્દીરા ગાંધી જેવા ગુણ છે. ઈન્દીરાનું પ્રતિબિંબ પ્રિયંકામાં દેખાય છે. 12 જાન્યુઆરી 1972માં જન્મેલા પ્રિયંકા ગાંધીએ 18 ફેબ્રુઆરી 1997માં મૂળ યુપીના મુરાદાબાદમાં રહેતા અને દિલ્હીના બિઝનેસમેન રોબર્ડ વાડ્રા સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકાના બે સંતાન છે. દિકરો રેહાન અને દિકરી મિરાયા વાડ્રા. દિલ્હીના મોર્ડન સ્કૂલમાં ભણનારા પ્રિયંકાએ ડીયુના જીસસ એન્ડ મેરી સ્કૂલમાં સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન અને બૌધ્ધિષ્ઠ સ્ટડીઝ સેન્ટરમાંથી એમએની ડિગ્રી હાંસલ કરેલી છે. પ્રિયંકા અને રોબર્ટના લગ્નને લઈ ગાંધી પરિવાર રાજી ન હતો. પરંતુ પ્રિયંકાએ પરિવારને સમજાવ્યો હતો અને રાજી કર્યો હતો. પ્રિયંકાને ફોટોગ્રાફી અને કૂકીંગનો શોખ છે. બાળકો પ્રત્યે ખાસ્સો લગાવ રાખે છે.
16 વર્ષની ઉંમર આપ્યું હતું પહેલું ભાષણ
પ્રિયંકા ગાંધીની હેરસ્ટાઈલ તેમના દાદી ઈન્દીરા ગાંધી સાથે મેળ ખાય છે. કહેવાય છે કે તેમના ભાષણોમાં દાદી ઈન્દીરાની ઝલક જોવા મળે છે. 16 વર્ષની ઉંમરે પ્રિયંકા ગાંધીએ પોતાનું પહેલું ભાષણ આપ્યું હતું. ત્યાર બાદ પ્રિયંકાએ અનેકાનેક રેલી, સભા અને સંમેલનોને સંબોધન કર્યા છે. નાની ઉંમરથી જ પ્રિયંકા માતા સોનિયા અને ભાઈ રાહુલ ગાંધી માટે રાયબરેલી અને અમેઠીમાં પ્રચાર કરતા આવ્યા છે. 2004માં સોનિયા ગાંધીના કેમ્પેઈનર હતા. પડદા પાછળ રહીને પ્રિયંકાએ અનેક રણનીતિ અને વ્યૂહરચના ઘડવામાં મહત્વની કામગીરી કરી છે.
શું રાયબરેલીથી ચૂંટણી લડશે?
2007માં યુપી વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી સમગ્ર રાજ્યમાં અભિયાન ચલાવી રહ્યા હતા ત્યાર પ્રિયંકા ગાંધીએ અમેઠી અને રાયબરેલીની 10 સીટની કમાન સંભાળી હતી. તેમણે કોંગ્રેસના કાર્યકરોની જૂથબંધીને દુર કરવાના પ્રયાસો કર્યા હતા. 2009 અને 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે અમેઠી અને રાયબરેલીમાં પ્રચાર કર્યો હતો. હવે માહિતી મળી રહી છે કે 2019ની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી રાયબરેલીથી પોતાની માતાની જગ્યાએ ચૂંટણી લડશે. પ્રિયંકા ગાંધીની નિમણૂંકથી કોંગ્રેસને ફાયદો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે.