વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના હજીરા ખાતે L & T ના પ્લાન્ટમાં K-9 વજ્ર ટેન્કને આર્મીને સુપરત કરી. ટેન્કનું નિરક્ષણ કર્યું અને પ્લાટન્ટની મુલાકાત લઈને સુરતના કાર્યક્રમને આટોપી લીધું.
મીડિયા સહિત ઉપસ્થિત સૌ કોઈને હતું કે વડાપ્રધાન મોદી સુરતના હજીરા ખાતે સ્પીચ આપશે અને અથવા મીડિયા સાથે વાતચીત કરશે પરંતુ બન્નેમાંથી એકેય વસ્તુ બની નહીં. આમ તો પીએમના નિર્ધારિત કાર્યક્રમમાં પણ સ્પીચ આપવાનું જણાઈ આવી રહ્યું નથી પરંતુ K-9 વજ્ર ટેન્ક જેવી અદ્યતન ટેક્નોલોજી સાથેની મેક ઈન ઈન્ડીયા જેવા ખુદ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ બની હોય તો ઉપસ્થિત સૌને હતું કે વડાપ્રધાન આ સાહસ અંગે બે શબ્દો બોલીને જશે, પરંતુ એવું થયું નહીં અને સૌને નિરાશા થઈ. વડાપ્રધાને તોપ પર બેસીને સવારી કરી અને માત્ર 30 મીનીટમાં કાર્યક્રમને પૂર્ણ કરી સુરત-હજીરાથી રવાના થયા. આમ તો તેમણે સુરત આવતા પહેલા સેલવાસમાં સ્પીચ આપી હતી અને કોલકાતામાં મમતા બેનરજીની રેલી પર આકરા પ્રહારો કર્યા હતા.
સ્પીચ ન આપી તેની પાછળનું બીજું કારણ એ પણ છે કે 30મી જાન્યુઆરીએ વડાપ્રધાન ફરી એક વખત સુરત આવી રહ્યા છે. સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપશે ત્યારે વડાપ્રધાન સુરતીઓને સંબોધન કરશે એવી શક્યતા જોવા મળી રહી છે.