પંજાબ કોંગ્રેસનો મતભેદ હજુ ઉકેલાયો નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. ચૂંટણી પછી પણ પંજાબ કોંગ્રેસમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. પક્ષમાં આંતરિક કલહ ચાલુ છે. હવે પંજાબ કોંગ્રેસના પ્રભારીએ નવજોત સિંહ સિદ્ધુ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે, પ્રભારી હરીશ ચૌધરીએ સિદ્ધુ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
કોંગ્રેસ હાઈકમાન્ડ કાર્યવાહી કરી શકે છે
પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ ચૌધરીએ સોનિયા ગાંધીને નવજોત સિંહ સિદ્ધુ સામે અનુશાસનાત્મક પગલાં લેવા માટે પત્ર લખ્યો છે. જેમાં તેણે કહ્યું છે કે સિદ્ધુ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવે. સિદ્ધુ પર પાર્ટીથી ભાગવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પત્ર પછી કોંગ્રેસ હાઈકમાન્ડ સિદ્ધુ વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરી શકે છે.
જ્યારે પ્રભારી હરીશ ચૌધરીને પંજાબના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતો પત્ર લખવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો કે, આ અમારી પાર્ટીનો આંતરિક મામલો છે.
સિદ્ધુનો અવાજ પાર્ટી લાઇનથી દૂર રહ્યો છે
પંજાબ કોંગ્રેસમાં નવજોત સિંહ સિદ્ધુનો સતત વિરોધ થઈ રહ્યો છે, કારણ કે તેઓ પાર્ટીના નિર્ણયો પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તેમના પર પાર્ટી વિરોધી ગતિવિધિઓનો આરોપ છે. આ પહેલા સોનિયા ગાંધીએ પંજાબમાં કોંગ્રેસની હાર બાદ નવજોત સિંહ સિદ્ધુના રાજીનામાની માંગ કરી હતી. જે બાદ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસની હાર બાદ સિદ્ધુ પર સતત આ પ્રકારના આરોપો લાગ્યા છે.