વાકયુદ્ધ પછી હસતાં ચહેરા, સચિવાલયમાં મળ્યા નેતાઓ
છેલ્લા થોડા દિવસોમાં બે જાણીતા રાજકીય નેતાઓ વચ્ચે થયેલા તીવ્ર વાકયુદ્ધ બાદ, હવે બંનેના હસતાં ચહેરાવાળા ફોટા સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે જે નેતાઓ થોડા સમય પહેલા સુધી એકબીજાને ચેલેન્જ આપી રહ્યા હતા, આજે એકબીજાની સાથે મૌજ મસ્તીમાં જોવા મળ્યા છે.
ચેલેન્જ પછી મૌજ: શું છે પાછળનો પ્રસંગ?
ભાજપના નેતા કાંતિ અમૃતિયાએ થોડા દિવસ પહેલાં જાહેરમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવા માટે ખુલીને ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જને ઇટાલિયાએ પણ સ્વીકારી હતી અને કાંતિભાઇ રાજીનામું આપવા સમર્થકો સાથે પહોંચ્યા પણ હતા. જોકે ગોપાલ ઇટાલિયા ન આવ્યા અને સમગ્ર મુદ્દે ચર્ચા ઊભી થઈ હતી.
સચિવાલયમાં મળી હળવી વાતચીત
હવે બંને નેતાઓના સચિવાલય ખાતેના હળવાશભર્યા પ્રસંગના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે તેઓ પોતાના વિસ્તારમાંના પ્રશ્નોને લઈને સચિવાલયમાં હાજર હતા ત્યારે ગોપાલ ઇટાલિયા પણ મુખ્યમંત્રીએ મળ્યા બાદ નીચે આવી રહ્યા હતા. ત્યાં તેઓને બોલાવીને જણાવ્યું કે, “તમારી પાસે તો એક જ બેઠક છે અને તમે પણ હવે લાફાવાળી ભાષા વાપરો છો, આવું ના કરો. આપણે પ્રજાના સેવક છીએ, પ્રજા ક્યારેક જીતાડે પણ છે અને ક્યારેક વખોડે પણ છે.”
તીવ્ર રાજકીય ટકરાવ વચ્ચે હળવી શૈલી
આ ઘટનાની બધી વિગતો આપતાં કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે, અગાઉ તેમના કાર્યાલય પર વિરોધ દરમિયાન તોડફોડ પણ થઈ હતી, તેમ છતાં આજે પણ તેઓ શાંતિ અને સમજદારીથી વાતચીત માટે તૈયાર છે. એક સીટ જીત્યા બાદ પણ ગોપાલ ઇટાલિયાના વર્તનને લઈને તેમણે લાગણી વ્યક્ત કરી હતી કે અભિમાનથી કાર્ય ન કરવું જોઈએ.
ચેલેન્જ હજુ યથાવત: કાંતિ અમૃતિયાનું સ્પષ્ટ નિવેદન
રાજીનામું અને મોરબી ચૂંટણી અંગે કાંતિ અમૃતિયાએ ફરીથી સ્પષ્ટતા કરી છે કે, “જો તેઓ રાજીનામું આપી મોરબીથી ચૂંટણી લડવા તૈયાર હોય તો મારી તરફથી તે પહેલાની ચેલેન્જ આજ પણ જીવંત છે. યોગ્ય સમયે હું પણ રાજીનામું આપીને તૈયાર થઈ જઈશ.”