પોરબંદરના મોચા ખાતે ૩૦ એકરમાં આકાર લેશે M-BRIC: દરિયાઈ સંસાધનોથી વધશે રોજગારી અને સંશોધન
ગુજરાત સરકાર રાજ્યના દરિયાઈ જૈવિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યની બ્લૂ બાયોઇકોનોમી (Blue Bioeconomy) ને મજબૂત બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, પોરબંદર જિલ્લાના મોચા ગામ ખાતે આશરે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ‘મરીન બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર’ (M-BRIC) વિકસાવવામાં આવશે.

આ ભવ્ય પ્રોજેક્ટના સાકારિકરણ માટે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન અને CSIR-CSMCRI (સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ) વચ્ચે ભાવનગર ખાતે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને કૃષિ, પશુપાલન તેમજ મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
દરિયાઈ સંસાધનોનું ઉચ્ચ-મૂલ્યવાળા ઉત્પાદનોમાં રૂપાંતરણ
ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો અને વિવિધ દરિયાઈ તટીય સંસાધનો જેવા કે સીવીડ (દરિયાઈ ઘાસ), માઇક્રોએલ્ગી, મરિન માઇક્રોઓર્ગેનિઝમ અને ખારાશવાળી ઇકોસિસ્ટમ બાયોટેકનોલોજી આધારિત ઉદ્યોગો માટે અપાર સંભાવનાઓ પૂરી પાડે છે. M-BRIC ની સ્થાપના દ્વારા આ સંસાધનોમાં જીનોમિક્સ, બાયોઇન્ફોર્મેટિક્સ અને બાયોપ્રોસેસિંગ જેવી અત્યાધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે.
આ કોરિડોર દ્વારા બાયોફર્ટિલાઇઝર્સ, બાયોસ્ટિમુલન્ટ્સ, ન્યુટ્રાજ્યુટિકલ્સ, કોસ્મેસ્યુટિકલ્સ, આક્વાફીડ, પશુ પોષણ ઉત્પાદનો, એન્ઝાઇમ્સ, ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ્સ અને મરિન બાયોમટીરિયલ્સ જેવા અ અનેક ઉચ્ચ-મૂલ્યવાળા ઉત્પાદનો વિકસાવવામાં આવશે. આ સાથે અગર, અલ્ગિનેટ અને કેરેજીનન જેવા મૂલ્યવાન સીવીડ-આધારિત પદાર્થો પર પણ સંશોધન હાથ ધરાશે.
મોચા ખાતે ૩૦ એકરમાં અદ્યતન રિસર્ચ અને ઇન્ડસ્ટ્રિયલ હબ
પોરબંદરના મોચા ગામ ખાતે આકાર પામનાર આ કોરિડોરનું કેમ્પસ કુલ ૩૦ એકરમાં ફેલાયેલું હશે. જેમાં બે મુખ્ય ભાગોનો સમાવેશ થાય છે:
૧૦ એકરનું રિસર્ચ કેમ્પસ: જ્યાં વૈજ્ઞાનિક સંશોધન, તાલીમ, નવીનતા અને દરિયાઈ ઓપરેશનો માટેની અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાશે.
૨૦ એકરનો ઔદ્યોગિક ઝોન: જે પાયલટ-સ્કેલ પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ, કોમન યુટિલિટીઝ, લોજિસ્ટિક્સ અને ક્વોલિટી કંટ્રોલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો પૂરો પાડશે.
આ ઉપરાંત, કાચો માલ મેળવવાથી લઈને ધોવા, પ્રી-પ્રોસેસિંગ, નિષ્કર્ષણ (એક્સટ્રેક્શન), સૂકવણી અને પેકેજિંગ સુધીની તમામ સુવિધાઓથી સજ્જ એક સમર્પિત ‘સીવીડ-પ્રોસેસિંગ ક્લસ્ટર’ પણ બનાવવામાં આવશે. ભાવનગર સ્થિત CSIR-CSMCRI આ પ્રોજેક્ટમાં મુખ્ય વૈજ્ઞાનિક જ્ઞાન ભાગીદાર (નોલેજ પાર્ટનર) તરીકે પોતાની વિશેષજ્ઞતા પૂરી પાડશે.

દરિયાકાંઠાના સમુદાયો માટે આજીવિકા અને કૌશલ્ય વિકાસ
આ માત્ર એક ઔદ્યોગિક કેન્દ્ર નથી, પરંતુ દરિયાકાંઠે વસતા સ્થાનિક સમુદાયો માટે આર્થિક સમૃદ્ધિ લાવવાનું માધ્યમ છે. સીવીડ મિશન હેઠળ દરિયાકાંઠાના યુવાનો, સીવીડ ખેડૂતો, મત્સ્યઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, મહિલા સાહસિકો અને એમએસએમઈ (MSME) માટે વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
પ્રથમ પાંચ વર્ષમાં આશરે ૧,૦૦૦ થી ૧,૫૦૦ જેટલા યુવાનો અને વ્યાવસાયિકોને દરિયાઈ બાયોટેકનોલોજી, આક્વાકલ્ચર, જીનોમિક્સ અને સાહસિકતાની તાલીમ આપવામાં આવશે. આ પહેલ ગુજરાતના યુવાનોને સક્ષમ બનાવીને ભારતની ઉભરતી બ્લૂ બાયોઇકોનોમીમાં રાજ્યનું યોગદાન સર્વોચ્ચ સ્તરે પહોંચાડવા માટે ક્રાંતિકારી સાબિત થશે.
