પોરબંદર વન વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા બીટ ગાર્ડનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલા સાથે તેના પતિ અને અન્ય એક વ્યક્તિનો પણ મૃતદેહ મળી આવ્યો છે. આ ત્રણ લોકો 15મી ઓગસ્ટના રોજ સાંજે લાપતા હતા. જ્યારે મહિલા વનકર્મી સહિત 3ની હત્યાની આશંકા સેવાઇ રહી છે. આ મહિલા વનકર્મીના પતિ શિક્ષક છે. બખલ્લા અને કાટવાણા વચ્ચે થી તેમની ગાડી મળી આવી હતી. આ ત્રણે વ્યક્તિના ગુમ થયાના સમાચાર સામે આવતા તરત જ વન વિભાગ દ્વારા બરડા ડુંગરમાં રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદર વન વિભાગમાં છેલ્લા ત્રણેક વર્ષથી બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા હેતલબેન કિર્તિભાઇ રાઠોડ, તેમના શિક્ષક પતિ કિર્તિભાઇ રાઠોડ અને રોજમદાર કર્મચારી નાગાભાઇની લાશ મળી આવી છે. તેઓ બરડા ડુંગરમાં તેમની ફરજ પરની બીટ ગોઢાણા બીટ પર ગયા હતા અને બે દિવસથી સંપર્ક વિહોણા બની ગયા હતા.
