પાકનું વિનાશ થવાના કારણે આર્થિક ભીંસથી કંટળીને પોરબંદરના ખેડુતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. પોરબંદરના કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના રહીશ 27 વર્ષીય મેરામણ લીલાભાઈ સીડાએ ઝેર ધોળીને આપઘાત કરી લીધો છે. ઝેર ધોળ્યા બાદ મેરામણને પોરબંદરની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો. ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. મેરામણની પાસે 60 વિઘા જમીન હતી અને તેમાં તેણે મગફળીનો પાક લીધો હતો. પરંતુ સારો વરસાદ નહીં થતા પાક ખલાસ થઈ ગયો હતો. મેરામણના મોત બાદ ખેડુતોમાં ખળભળાટ મચી ગયો છે.
અન્ય જમીન ભાડે લઈ કરતો હતો ખેતી
મેરામણે અન્ય ખેડુતની જમીનમાં ખેતી કરવાનું શરૂ કર્યું હતું. મેરામણના ભાઈ કેશુભાઈના જણાવ્યા પ્રમાણે મેરામણ પાછલા 20 વર્ષથી ખેતી કામ કરતો અને અન્યોની જમીનમાં ભાગીદારી કરતો હતો. આ વર્ષે પણ તેણે અન્યની 60 વિધા જમીન ભાડે રાખી હતી અને મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ નહીં થવાના કારણે તેની મહેનત પર પાણી ફરી વળ્યું. આના કારણે તે આર્થિક સંકડામણમાં આવી ગયો હતો. મેરામણની આત્મહત્યા બાદ તેની પત્ની, પાંચ વર્ષની દિકરી નોંધારા થઈ ગયા છે.
જામજોધપુરમાં ખેડુતે કરી હતી આત્મહત્યા
19મી જાન્યુઆરીએ 22 વર્ષના ખેડુતે પણ આત્મહત્યા કરી હતી. જામજોધપુરના રબારીકા ગાના 22 વર્ષીય રમેશ દેવશીભાઈ મકવાણાએ પણ ફાંસી ખાઈ આપઘાત કર્યો હતો. રમેશ મકવાણાના આપઘાત પાછળ પણ આર્થિક તંગી જ કારણભૂત રહી હતી. આર્થિક ભીંસના કારણે રમેશની હિંમત પડી ભાંગી હતી અને તે ચિંતામાં રહેતો હતો. આખરે તેણે જીવન ટૂંકાવી લીધું હતું. રમેશ પણ મજૂરી કરતો હતો.
વરસાદ ઓછો થતાં ખેડુતો પાયમાલ, સહાયના ઠેકાણા નથી
વરસાદ ઓછો થવાના કારણે ગુજરાત સરકારે કેટલાક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. કલ્યાણપુરમાં પણ આ વર્ષે ઓછો વરસાદ નોંધાયો હતો, જેના કારણે મોટાભાગના પાકને ભારે નુકશાન થયું છે. પરંતુ સમયાનુસાર સહાય નહીં મળવાના કારણે ખેડુતોના શ્વાસ સંકેલાઈ રહ્યા છે.