બળાત્કાર કેસમાં દોષિત ઠેરવાયેલા પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને કોર્ટે આજીવન કેદ અને દંડની સજા ફટકારી
બેંગલુરુના એક વિશેષ કોર્ટે 2 ઓગસ્ટ, 2025 ના રોજ જેડીએસના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બળાત્કારના ગંભીર આરોપોમાં દોષિત ઠેરવ્યો છે અને તેને આજીવન કેદની સજા ફટકારી છે. ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટ્ટની અધ્યક્ષતાવાળી સાંસદો અને ધારાસભ્યો માટેની ખાસ કોર્ટે રેવન્નાને IPC કલમ 376(2)(K) અને 376(2)(N) હેઠળ દોષિત ઠેરવ્યા બાદ આ નિર્ણય આપ્યો.
ન્યાયાલયે આરોપી પર ₹10 લાખનો દંડ ફટકાર્યો છે
અને પીડિત મહિલાને ₹7 લાખનું વળતર ચૂકવવાનું પણ આદેશિત કર્યું છે. સુનાવણી દરમિયાન જ્યારે તેને દોષિત જાહેર કરવામાં આવ્યો ત્યારે રેવન્ના ગભરાયેલો અને ભાવુક દેખાયો હતો. તેણે ન્યાયાધીશને ઓછી સજાની વિનંતી પણ કરી હતી, પરંતુ કોર્ટે ગુનાની ગંભીરતા જોતા આજીવન કેદનો ઈનસાફી નિર્ણય આપ્યો.

આ કેસ 2021માં હસન જિલ્લાના હોલેનરાસીપુરા વિસ્તારમાં આવેલા રેવન્નાના ફાર્મહાઉસ સાથે સંકળાયેલો છે. ત્યાં મદદગાર તરીકે કામ કરતી 48 વર્ષની મહિલાએ બળાત્કારના ગંભીર આરોપ લગાવ્યા હતા. આરોપી દ્વારા આ કૃત્ય મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું.
SIT દ્વારા તપાસમાં 1,632 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી, જેમાં 113 સાક્ષીઓના નિવેદનો સમાવિષ્ટ હતા. ફરિયાદ પક્ષે 26 મહત્વના સાક્ષીઓ રજૂ કર્યા અને 180 દસ્તાવેજો દાખલ કર્યા. કેસની સુનાવણી 18 જુલાઈ, 2025ના રોજ પૂર્ણ થઈ હતી અને 30 જુલાઈના રોજ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

પ્રજ્વલ રેવન્ના સામે ચાર અલગ અલગ બળાત્કારના કેસ નોંધાયેલા છે. આ કેસો એપ્રિલ 2024માં ચર્ચામાં આવ્યા હતા, જ્યારે લોકસભા ચૂંટણી પહેલા તેમની સાથે સંબંધિત અશ્લીલ વિડિઓઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. SIT દ્વારા 31 મે, 2024ના રોજ તેમની બેંગલુરુ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી, જયારે તે જર્મનીથી ભારત પરત ફર્યો હતો.

