નવસારીના ભૂસ્તરશાસ્ત્રી પ્રવીણ ખાંભલાની આવકથી વધારે સંપત્તિની તપાસ ક્યારે? મોંઘીદાટ ધડિયાળો,શૂઝથી લઈ હાઈફાઈ લાઈફ સ્ટાઈલ બની છે ચર્ચાનો વિષય
નવસારીના ભૂસ્તરશાસ્ત્રી પ્રવીણ ખાંભલા આજકાલ ખાસ્સા એવા ચર્ચામાં છે. પ્રવીણ ખાંભલા અને મળતીયાઓ અંગે ભ્રષ્ટાચારને લઈ એસીબીમાં ફરિયાદ કરવામાં આવ્યા બાદ તેમની ચકોચૌંધ લાઈફ સ્ટાઈલ ચર્ચોનો વિષય બની છે. હવે એસીબીમાં પ્રવીણ ખાંભલાની આવક કરતાં વધારે સંપત્તિની તપાસ કરવા માટે ફરિયાદ થવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતો મુજબ પ્રવીણ ખાંભલા પાસે મોઘીદાટ ઘડિયાળો અને મોંઘા શૂઝ પણ છે. આ એક બાબત છે, પણ ખરી વિગતો એવી શકે છે ગયા વર્ષે નવસારીમાં ભૂસ્તર વિભાગમાં નિમણૂંક પામ્યા બાદ પ્રવીણ ખાંભલાએ ભાઈ, ભત્રીજાઓ અને સગાસંબંધીઓ કે મિત્રોના નામે અનેક બેનામી સંપત્તિ વસાવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એસીબીમાં આ અંગે પણ અરજદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે.
હાલમાં પ્રવીણ ખાંભલા અને તેમના મળતીયાઓ સામે નવસારીના પડધા ગામે સરકારી તળાવમાં માટી ખોદકામને લઈ મોટી ખાયકીના આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે. આજદિન સુધી તપાસ કે કાર્યવાહી કરવામાં ન આવતા ઉચ્ચ અધિકારીઓ સામે પણ ભીનું સંકેલી લેવા માટે શંકાની સોય તાકવામાં આવી રહી છે. સુરતનાં ભૂસ્તર વિભાગ અને ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડને રજૂઆત તથા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી પણ આ ફરિયાદને કાને ધરવામાં આવી નથી અને આંખ આડા કાન કરી ફરિયાદને ઢેબે ચઢાવી દેવામાં આવી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. સુરતની ફ્લાઈંગ સ્કવોડે ક્યા કારણોસર તપાસ કે કાર્યવાહી કરી નથી તેને લઈ પણ કૌંભાંડીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે.
નવસારી જિલ્લાના નવસારી તાલુકાના પડઘા ગામે આવેલા સરકારી તળાવનાં બ્લોક નંબર-523માંથી માટી કાઢવા માટે ભૂસ્તરશાસ્ત્રી પ્રવીણ ખાંભલા આણિ મંડળીએ પોતાના મળતીયાની એજન્સીને કામગીરી સોંપી હતી એજન્સી સંચાલક અને અધિકારીઓનાં મેળાપીપણામાં છેલ્લા બે વર્ષથી આ તળાવનું બેફામ ખોદકામ કરી મોટાપાયે માટી કાઢવામાં આવી રહી છે અને મોટા ગોબાચારી આચરી રહી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. તળાવમાંથી માટી કાઢી બજારમાં સપ્લાય કરી અધિકારી અને એજન્સી સંચાલકોએ પોતાની તિજોરી ભરી દીધી છે અને સરકારી તિજોરીને અંદાજે ત્રણથી પાંચ કરોડનો ચુનો લગાવ્યો છે. આ મંડળી દ્વારા માટી ચોરી અને રોયલ્ટી ચોરીથી માત્ર અને માત્ર નવસારીનાં ભૂસ્તર વિભાગનાં અધિકારીઓને જ મોટો આર્થિક લાભ થયાના આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે. જો તપાસ કરવામાં આવે તો મોટું ભોપાળું બહાર આવી શકે તેવો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
વધુમાં આ અનુસંધાનમાં માટી ચોરી અને રોયલ્ટી ચોરીની બાબતે નવસારી ભૂસ્તર વિભાગ પાસેથી માહિતી અધિકાર હેઠળ વિગતો માંગવામાં આવી હતી પરંતુ આજ સુધી વિગતો ન આપી ભ્રષ્ટ કારભારને છાવરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓ અને એજન્સી સંચાલકોની મિલીભગતનો પર્દાફાશ કરવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજદારે સંબંધિત વિભાગમાં અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ નક્કર કાર્યવાહી ન કરાતા ભ્રષ્ટ કારભાર માટે મોકળું મેદાન મળી રહ્યું છે.