ગાંધીધામમાં મહાપાલિકા દ્વારા આર્કેટ તથા બજારની પાછળ પાર્કિંગ પ્લોટ પરના દબાણો દૂર કરાયા
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવી રહી છે,
મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાનીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ શહેરની મુખ્ય બજારના આર્કેટના તથા બજારની પાછળની ભાગના પાર્કિંગ વાળી જગ્યાના દબાણો દુર કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય બજારના નોર્થ-સાઉથ વિસ્તારમાં બે મોટા પાર્કિંગ પ્લોટના દબાણો દુર કરી પાર્કિંગ પ્લોટ ખાલી કરાવવામાં આવ્યા હતા. ખાલી કરાવાયેલા પ્લોટ પર મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવામાં આવશે.
મહાપાલિકાના એન્જીનીયરની ટીમ દ્વારા પાર્કિંગ પ્લોટના ડેવલપમેન્ટનો પ્લાન તૈયાર કરાયો
મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાની, નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઇ તથા મહાનગરપાલિકાના એન્જીનીયર શાખા, દબાણ શાખાના કર્મચારીઓ સાથે સ્થાનિકે મુલાકાત કરી સાઉથ વિસ્તારના પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવા જરુરી પ્લાન તૈયાર કર્યો છે. જે પ્લાનની ડીઝાઇન મુજબ આ પાર્કિંગ પ્લોટમાં અંદાજે ૧૩૦ થી ૧૪૦ જેટલા ટુ-વ્હીલરો તથા ૪પ થી પપ જેટલા ફોર-વ્હીલર વાહનો પાર્કિંગ થઇ શકે તેમ છે.
નાગરીકોને શૌચાલયની સુવિધા મળી રહે તે માટે જરુરી નકશા-અંદાજ તૈયાર કરાશે
પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે સાથે સાથે આ વિસ્તાર તથા આજુબાજુ વિસ્તારના વેપારીઓ અને નાગરીકોને શૌચાલયની સુવિધા મળી રહે તે માટે જરુરી નકશા-અંદાજ તૈયાર કરી શૌચાલયની વ્યવસ્થા પણ તાત્કાલિક ઉભી કરવામાં આવશે.
તે ઉપરાંત નોર્થ વિસ્તારમાં ખુલ્લા કરાયેલ પાર્કિંગ પ્લોટની ડીઝાઇન તૈયાર કરવામાં આવી રહેલ છે. જે કામગીરી ટુંક સમયમાં શરુ કરવામાં આવશે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનતાં નાગરિકોને રાહત મળશે
આ અંગે કમિશ્નર મનીષ ગુરુવાનીએ જણાવ્યું હતું કે, ગાંધીધામ શહેરમાં આ પ્રકારની સુવિધાઓ ડેવલપ કરવાથી વેપારીઓ તથા મુખ્ય બજારમાં આવતા નગરજનોને પાર્કિંગની પુરતી વ્યવસ્થા મળી રહેશે. જેને લીધે ટ્રાફીકના પ્રશ્નો પણ હલ થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો.