PSL માં નવો પ્રયોગ: હવે ટોસ પછી કેપ્ટન પસંદ કરી શકશે પોતાની પ્લેઈંગ-11
પાકિસ્તાન સુપર લીગ (PSL) તેની અનોખી શૈલી અને પ્રયોગો માટે જાણીતી છે, પરંતુ આ સીઝનમાં એક એવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેણે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. સામાન્ય રીતે ક્રિકેટમાં ટોસ પહેલા કેપ્ટનોએ પોતાની ટીમની યાદી આપવી પડતી હોય છે, પરંતુ હવે PSL માં કેપ્ટન પાસે ટોસના પરિણામ બાદ ટીમ નક્કી કરવાની આઝાદી રહેશે.
શું છે આ બે પ્લેઈંગ-11નો અજીબોગરીબ નિયમ?
PSL 2026 ના આ સીઝન માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ, મેચના ટોસ પહેલા બંને ટીમના કેપ્ટન મેચ રેફરીને એક નહીં પણ બે અલગ-અલગ પ્લેઈંગ ઇલેવન (Playing XI) ની યાદી સોંપશે. એકવાર ટોસ થઈ જાય અને નક્કી થઈ જાય કે કઈ ટીમ પહેલા બેટિંગ કરશે કે બોલિંગ, ત્યારબાદ કેપ્ટન તે બે યાદીમાંથી પોતાની શ્રેષ્ઠ ટીમ પસંદ કરી શકશે.
પિચ અને ઝાકળ (Dew Factor) ને ધ્યાનમાં રાખી શકાશે
આ નિયમ પાછળનું મુખ્ય કારણ રમતને વધુ સંતુલિત બનાવવાનું છે. ટી20 ક્રિકેટમાં ઘણીવાર ઝાકળ (Dew) મેચનું પરિણામ બદલી નાખે છે.
- જો કોઈ ટીમ પહેલા બોલિંગ કરી રહી હોય, તો તેઓ વધુ સ્પિનરો રાખી શકે છે.
- જો બીજી ઇનિંગમાં ઝાકળ પડવાની શક્યતા હોય, તો કેપ્ટન તે મુજબ ટીમમાં ફેરફાર કરીને બીજી પ્લેઈંગ ઇલેવન પસંદ કરી શકે છે.
આનાથી કેપ્ટનોને પિચની સ્થિતિ અને ટોસના નસીબ પર નિર્ભર રહેવાને બદલે વ્યૂહાત્મક નિર્ણય લેવાની તક મળશે.
રૂલ બુકમાં નવો સુધારો: ક્લોઝ 1.2.1
PSL એ આ નિયમને પોતાની સત્તાવાર રૂલ બુકના ‘નોમિનેશન એન્ડ રિપ્લેસમેન્ટ ઓફ પ્લેયર્સ’ વિભાગમાં સામેલ કર્યો છે. નિયમ મુજબ, દરેક લાઇનઅપમાં 11 ખેલાડીઓ અને વધુમાં વધુ 4 સબસ્ટિટ્યુટ ખેલાડીઓ હોવા જરૂરી છે. એકવાર ટોસ બાદ કેપ્ટન કોઈ એક ટીમ લિસ્ટ પર સહી કરી દે, પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. આ પ્રયોગ અગાઉ દક્ષિણ આફ્રિકાની ‘SA20’ લીગમાં પણ જોવા મળ્યો હતો, જે હવે PSL માં પણ અમલી બન્યો છે.
PSL સીઝન 11 નો શાનદાર પ્રારંભ
PSL ના 11માં સીઝનની શરૂઆત 26 માર્ચથી લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં થઈ ચૂકી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં જ ડિફેન્ડિંગ ચેમ્પિયન લાહોર કલંદર્સ એ શાનદાર પ્રદર્શન કરતા હૈદરાબાદ કિંગ્સમેન ને 69 રનથી હરાવ્યું હતું. શાહીન આફ્રિદીની કેપ્ટનશીપ હેઠળ લાહોરે 199 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેની સામે માર્નસ લાબુશેનની ટીમ માત્ર 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

