માસિક ₹૩.૧ લાખનું રોકાણ અને ₹૯ કરોડની સંપત્તિ: પુણેના સુધિરે કઈ વ્યૂહરચનાથી રચ્યો ઇતિહાસ?
પુણેના ૩૨ વર્ષીય આઈટી (IT) પ્રોફેશનલ સુધીર દંડોતિયાએ નાની વયે એક એવી નાણાકીય સિદ્ધિ હાસલ કરી છે, જે આજે દેશના લાખો યુવાનો માટે પ્રેરણારૂપ બની ગઈ છે. ૩૨ વર્ષની ઉંમર સુધીમાં તેમણે અંદાજે ₹૯ કરોડની મજબૂત સંપત્તિ (Assets) ઊભી કરી લીધી છે. સૌથી ખાસ અને મહત્વની વાત એ છે કે, આટલો મોટો કોર્પસ બનાવવા માટે તેમણે કોઈ ‘સૌથી શ્રેષ્ઠ કે હોટ મ્યુચ્યુઅલ ફંડ’ ની પાછળ અંધાધૂંધ દોડ મૂકી નહોતી. સુધીરનું સ્પષ્ટ માનવું છે કે, સતત અને શિસ્તબદ્ધ રોકાણ, વધતા ખર્ચાઓ પર મજબૂત નિયંત્રણ અને બજારના દરેક તબક્કામાં લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવું—આ ત્રણ બાબતો જ તેમની આ મોટી સફળતાનું મુખ્ય રહસ્ય રહ્યું છે.

૨૦૧૭માં ₹૪.૫ લાખની વાર્ષિક આવકથી શરૂઆત અને લાઈફસ્ટાઈલ પર નિયંત્રણ
સુધીરે પોતાના કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૧૭ માં વાર્ષિક આશરે ₹૪.૫ લાખના સાધારણ પગારથી કરી હતી. સમય જતાં, પોતાની સ્કિલ્સ સુધારીને અને વધુ સરા તકો મળતાં નોકરીઓ બદલીને તેમની વાર્ષિક આવક વર્ષ ૨૦૨૨ માં ₹૪૦ લાખ અને વર્ષ ૨૦૨૬ સુધીમાં વધીને અંદાજે ₹૫૨ લાખ સુધી પહોંચી ગઈ. સામાન્ય રીતે, પગાર વધવાની સાથે લોકો પોતાની રહેણીકહેણી અને ખર્ચાઓ ખૂબ જ ઝડપથી વધારી દેતા હોય છે, જેને ‘લાઇફસ્ટાઇલ ક્રીપ’ (Lifestyle Creep) કહેવામાં આવે છે. પરંતુ સુધીરે પોતાની કમાણી વધવા છતાં પોતાની જીવનશૈલી પર સખત સંયમ જાળવી રાખ્યો.
તેમના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના ઘરનો માસિક ખર્ચ આશરે ₹૨ લાખની આસપાસ રહ્યો છે. આવકમાં મંગી ઊછાળો આવ્યા છતાં તેમણે મોંઘી ગાડીઓ ખરીદવા, અતિશય વૈભવી વેકેશન મનાવવા કે બિનજરૂરી વસ્તુઓ પર પૈસા ઉડાવવાને બદલે વધારાની તમામ રકમ સીધી રોકાણમાં જ વાળવાનું પસંદ કર્યું.
દર મહિને ₹૩.૧ લાખનું રોકાણ અને સંપત્તિ સર્જનની શિસ્ત
સુધીર દર મહિને આશરે ₹૧.૫ લાખ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી (SIP) માં રોકે છે. આ ઉપરાંત, દર મહિને અંદાજે ₹૧.૬૧ લાખ તેમના હોમ લોનની ઇએમઆઈ (EMI) માં જાય છે. આ રીતે જોવામાં આવે તો, તેમની માસિક આવકમાંથી આશરે ₹૩.૧ લાખ જેટલી મોટી રકમ સીધી જ નવી સંપત્તિ ઊભી કરવા માટે વપરાય છે.
તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલા પૈસાને નાની-મોટી જરૂરિયાતો કે માર્કેટની અનિશ્ચિતતામાં વારંવાર બહાર કાઢવાને બદલે લાંબા ગાળા માટે ઇન્વેસ્ટેડ રાખવામાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે. માર્ચ ૨૦૨૦ માં કોરોના મહામારી સમયે આવેલી બજારની મોટી મંદી હોય કે ૨૦૨૨ નો નબળો તબક્કો—સુધીરે પોતાના રોકાણને જરાય એન્કેશ ન કર્યું અને પોતાની એસઆઈપી સતત ચાલુ રાખી.
₹૯ કરોડની ગ્રોસ સંપત્તિનું વિભાજન અને વાસ્તવિક નેટવર્થ
સુધીરની આશરે ₹૯ કરોડની કુલ સંપત્તિઓનું રોકાણ વિભાજન (Asset Allocation) નીચે મુજબ છે:
મ્યુચ્યુઅલ ફંડ્સ: અંદાજે ₹૨.૫૬ કરોડ
રિયલ એસ્ટેટ (પુણેમાં ફ્લેટ): અંદાજે ₹૪.૭ કરોડની વર્તમાન માર્કેટ વેલ્યુ
ગોલ્ડ (સોનું): અંદાજે ₹૬૪ લાખ
એફડી અને બેંક બેલેન્સ: અંદાજે ₹૫૭ લાખ
પીપીએફ (PPF) અને ઈપીએફ (EPF): અંદાજે ₹૨૪ લાખ
ડાયરેક્ટ સ્ટોક્સ (શેરબજાર): અંદાજે ₹૨૩ લાખ
અહીં નોંધનીય બાબત એ છે કે ₹૯ કરોડ એ તેમની કુલ સંપત્તિનું અંદાજિત મૂલ્ય છે. જો તેમાંથી હોમ લોનની બાકી રહેતી રકમ બાદ કરવામાં આવે, તો તેમની વાસ્તવિક ચોખ્ખી સંપત્તિ (Net Worth) અંદાજે ₹૭ કરોડ જેટલી થાય છે.

‘બેસ્ટ ફંડ’ કરતાં નિયમિતતા સૌથી વધુ જરૂરી
સુધીરનું માનવું છે કે રોકાણની દુનિયામાં સફળ થવા માટે દર વખતે યોગ્ય સમયે જ પરફેક્ટ ફંડ પસંદ કરવું જરૂરી નથી, પરંતુ યોગ્ય રકમનું સતત અને નિયમિત રોકાણ કરતા રહેવું સૌથી વધુ મહત્વનું છે. તેઓ હાલમાં અલગ-અલગ કેટેગરીના ૧૧ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે છે. જોકે, નાણાકીય નિષ્ણાતોના મતે બહુ બધા ફંડ્સ રાખવાથી પોર્ટફોલિયોમાં એક જ પ્રકારના શેરોનું ઓવરલેપિંગ (અતિશય પુનરાવર્તન) થઈ શકે છે, તેથી ફંડ્સની સંખ્યા મર્યાદિત રાખવી યોગ્ય છે. આમ છતાં, સુધીરની આખી સફરનો સૌથી મોટો પાઠ એ છે કે વધતી આવક સાથે ખર્ચ વધારવાને બદલે રોકાણ વધારવાથી લાંબા ગાળે જંગી ફંડ તૈયાર કરી શકાય છે.
૪૦ વર્ષની ઉંમર સુધીમાં ₹૨૫ કરોડનો ધ્યેય
સુધીરનો આગામી લક્ષ્યાંક ૪૦ વર્ષની ઉંમર પહોંચે ત્યાં સુધીમાં પોતાની કુલ સંપત્તિને ₹૨૦ થી ₹૨૫ કરોડ સુધી પહોંચાડવાનો છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેઓ પોતાની વર્તમાન SIP ચાલુ રાખવા સાથે પ્રોપર્ટીના મૂલ્યમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે.
તેમની આ પ્રેરણાદાયી વાર્તા સાબિત કરે છે કે મોટી સંપત્તિ બનાવવા માટે હંમેશાં કોઈ ‘હાઇ-રિટર્ન’ કે ટ્રેન્ડિંગ સ્કીમ્સની જરૂર નથી હોતી. માત્ર શિસ્તબદ્ધ રોકાણ, બચત કરવાની મજબૂત આદત, સીમિત ખર્ચ અને માર્કેટના ઉતાર-ચઢાવ વચ્ચે લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવું એ જ સંપત્તિ સર્જનનો સાચો અને સફળ માર્ગ છે.
