પીવી સિંધુ સુરક્ષિત ભારત પરત ફર્યા: દુબઈ એરપોર્ટના સ્ટાફનો માન્યો આભાર, ઓલ ઈંગ્લેન્ડ ઓપન રમવાનું સપનું અધૂરું
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ છેલ્લા કેટલાક દિવસોથી દુબઈમાં ફસાયા બાદ હવે સુરક્ષિત રીતે ભારત પરત ફરી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિમાં સિંધુ દુબઈ એરપોર્ટ પર અટવાઈ ગઈ હતી. ભારત આવ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની સુરક્ષાની જાણકારી આપી હતી અને મુશ્કેલ સમયમાં મદદ કરનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
“છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ અનિશ્ચિત હતા”
પીવી સિંધુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું કે, “હું સુરક્ષિત અને સહી-સલામત રીતે બેંગલુરુમાં મારા ઘરે પરત ફરી છું. છેલ્લા કેટલાક દિવસો અત્યંત મુશ્કેલ અને અનિશ્ચિતતાથી ભરેલા હતા, પરંતુ હવે હું ઘરે આવી ગઈ છું અને તે માટે દરેકની આભારી છું.”
સિંધુ 3 માર્ચથી શરૂ થનારી પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્લેન્ડ ઓપન માટે બર્મિંગહામ જઈ રહી હતી, ત્યારે જ ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો અને UAE નું એરસ્પેસ બંધ થવાને કારણે તે 28 ફેબ્રુઆરીથી દુબઈમાં ફસાઈ ગઈ હતી. હવે ભારત પરત આવવાને કારણે તેનું આ ટૂર્નામેન્ટમાં રમવાનું સપનું તૂટી ગયું છે.
દુબઈ એરપોર્ટ સ્ટાફ અને ઓથોરિટીનો આભાર
મુશ્કેલીના સમયે મળેલી મદદને યાદ કરતા સિંધુએ દુબઈના ગ્રાઉન્ડ સ્ટાફ અને ઇમિગ્રેશન વિભાગની પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું, “દુબઈ ઓથોરિટી, એરપોર્ટ સ્ટાફ અને જે લોકોએ આ કપરા સમયમાં અમારી સંભાળ રાખી છે, તે બદલ તેમનો દિલથી આભાર. આ લોકોની માનવતા અને વ્યાવસાયિકતા શબ્દો કરતા પણ ઘણી મોટી છે. અત્યારે મારે આરામ કરવાની અને માનસિક રીતે ફરી તૈયાર થવાની જરૂર છે.”
દુબઈમાં રોકાણ દરમિયાન સિંધુએ ત્યાંના બગડતા સંજોગો વિશે પણ માહિતી આપી હતી અને એરપોર્ટ નજીક જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો હોવાનું પણ જણાવ્યું હતું.
ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાં લક્ષ્ય સેન પર મીટ
પીવી સિંધુ ભલે આ ટૂર્નામેન્ટમાં ન રમી શકી હોય, પરંતુ ભારતના અન્ય કેટલાક શટલર સમયસર બર્મિંગહામ પહોંચવામાં સફળ રહ્યા છે. ભારતના ટોચના પુરુષ શટલર લક્ષ્ય સેન અને ઉભરતા ખેલાડી આયુષ શેટ્ટી કોઈ પણ અવરોધ વિના પહોંચી ગયા છે.
લક્ષ્ય સેન: તેનો સામનો પહેલા રાઉન્ડમાં વિશ્વના નંબર-1 ચીની ખેલાડી શી યુકી સામે થશે.
આયુષ શેટ્ટી: તેનો મુકાબલો ઈન્ડોનેશિયાના અલ્વી ફરહાન સામે થશે.

