ઝરપરાની સીમમાંથી દારૂ-બિયર સહિત રૂ.૭૫.૦૫ લાખનો મુદ્દામાલ ઝડપાયો
રાજ્યમાં દારૂબંધીનો કાયદો વધુ કડક બનાવાયો છે પરંતુ તેમ છતાં કચ્છમાં જાણે બુટલેગરોને કોઇનોય ડર ન હોય તેમ છાશવારે મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાઇ રહ્યો છે. આજે મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામની સીમમાંથી દારૂનું કટિંગ કરતી વેળાએ એલસીબીએ ત્રાટકીને બિયરના ટીન, ઇંગ્લીશ દારૂની બોટલે તેમજ વાહનો મળીને કુલ રૂ.૭૫,૦૫,૨૮૦ નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે આ બનાવમાં પણ આરોપીઓ પકડવામાં પોલીસને સફળતા મળી નહોતી.
ઝરપરાની સીમમાં બાવળની ગીચ ઝાડીઓમાં ચાલતું હતું દારૂનું કટિંગ
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પી.આઇ. એચ.આર.જેઠીના માર્ગદર્શન હેટળ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમ્યાન બાતમી મળી કે, માંડવી તાલુકાના કોટાયા ગામનો અને હાલમાં માંડવીમાં રહેતો હરિ હરજી ગઢવી તથા માંડવીનો દેવરાજ ગોપાલ ગઢવી નામના બે શખસો તેમના સાગરિતો સાથે ગુજરાત બહારથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી કન્ટેનરમાં ભરી લાવીને ઝરપરાની સીમમાં આવેલા અંબાજી વેરહાઉસની પાછળના ભાગે બાવળની ઝાડીઓમાં સરકારી પડતર જમીનમાં અલગ-અલગ વાહનોમાં ભરીને દારૂના જથ્થાનું કટિંગ કરી રહ્યા છે. તેથી એલસીબીની ટીમે તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડયો હતો.
દરોડામાં દારૂ બિયરના ૧૪૮૦૮ ટીન તથા કુલ ૬ વાહનો કબજે કરાયા
I એલસીબી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં દારૂ બિયરના રૂ.૩૪ ૫૫,૨૮૦ની કિંમતના ૧૪૮૦૮ ટીન, દારૂની હેરફેરમાં વપરાતા વાહનોમાં રૂ.૪ લાખની ઇનોવા કાર, રૂ.૧૫ લાખની કિંમતની સ્કોર્પિયો કાર, રૂ.૧.૫૦ લાખનું બોલેરો લોડિંગ વાહન, રૂ.૧૦ લાખની કિંમતની કિયા કંપનીની સેલ્ટોસ કાર, રૂ.૯ લાખની કિંમતનો ટ્રક, રૂ.૧ લાખની કિંમતનું કન્ટેનર મળીને કુલ રૂ. ૭૫,૦૫,૨૮૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
બે બુટલેગરો સહિત તમામ વાહનોના માલિકો સામે પણ નોંધાઇ ફરિયાદ
એલસીબી દ્વારા લિસ્ટેડ બુટલેગરો હરિ હરજી ગઢવી તથા દેવરાજ ગોપાલ ગઢવી, ઇનોવા કારનો માલિક-ચાલક, સ્કોર્પિયો કારનો ચાલક-માલિક, બોલેરોનો ચાલક તથા માલિક, કિયા કંપનીની સેલ્ટોસ કારનો માલિક તથા ચાલક, ટ્રકનો માલિક તથા ચાલક તેમજ કન્ટેનરના માલિક તથા ચાલક તથા તપાસમાં નિકળે તે તમામ સામે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ ૧૯૪૯ની કલમ ૬૫(એ) (ઈ), ૧૧૬ (બી), ૮૧, ૮૩,૯૮(૨) સહિતની કકલમો તળે ફરિયાદ નોંધાવાઇ હતી. કબજે કરવામાં આવેલો તમામ મુદ્દામાલ મુન્દ્રા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો.