ચૂંટણી પંચ પર રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવનો પ્રહાર: ‘ગોદી પંચ’ અને ‘લેપડોગ કમિશન’ બન્યાનો આરોપ
મતદાર અધિકાર યાત્રા દરમિયાન વિપક્ષી નેતાઓએ મતોની ચોરી અટકાવવાનો સંકલ્પ લીધો
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવએ બિહારમાં તેમની ‘મતદાર અધિકાર યાત્રા’ દરમિયાન ચૂંટણી પંચ (Election Commission) પર ગંભીર આક્ષેપો કર્યા છે. અરરિયામાં એક પત્રકાર પરિષદને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકમાં મતોની ચોરી થઈ છે, પરંતુ બિહારમાં આવું થવા દેવામાં આવશે નહીં. તેમણે ચૂંટણી પંચ પર સાચી મતદાર યાદી પૂરી પાડવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો.
રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે, ચૂંટણી પંચનું મુખ્ય કાર્ય સાચી અને વિશ્વસનીય મતદાર યાદી ઉપલબ્ધ કરાવવાનું છે. તેમણે આક્ષેપ કર્યો કે મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકમાં આ કાર્ય યોગ્ય રીતે થયું નથી. તેમણે કહ્યું કે, “અમારું સંપૂર્ણ દબાણ ચૂંટણી પંચના વર્તનને બદલવાનું છે અને અમે તેને છોડીશું નહીં. અમે ચૂંટણીમાં ચોરી થવા દઈશું નહીં.” આ યાત્રાને ખૂબ સફળ ગણાવતા તેમણે કહ્યું કે લોકો સ્વયંભૂ રીતે તેમાં જોડાઈ રહ્યા છે.
આ જ પ્રેસ કોન્ફરન્સમાં, તેજસ્વી યાદવે ચૂંટણી પંચ પર વધુ આકરા પ્રહારો કર્યા. તેમણે પંચને “લેપડોગ કમિશન” ગણાવ્યું અને કહ્યું કે તે ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકર્તાની જેમ કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, “આપણે બધાએ મતદાનના અધિકાર અને અસ્તિત્વને બચાવવા માટે આ યાત્રા શરૂ કરી છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકો ચૂંટણી પંચ પરથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે.” તેજસ્વીએ દાવો કર્યો કે દરેક બૂથ પર ૫૦ થી વધુ લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
LIVE: Joint Press Conference | Araria, Bihar https://t.co/vWMF3a65Nc
— Rahul Gandhi (@RahulGandhi) August 24, 2025
તેજસ્વી યાદવે વડાપ્રધાન પર પણ પ્રહાર કરતા તેમને “જૂઠા” ગણાવ્યા. તેમણે કહ્યું કે વડાપ્રધાન અફવાઓ ફેલાવી રહ્યા છે અને સમાજમાં ઝેર ઘોળી રહ્યા છે. તેમણે ઉદાહરણ આપ્યું કે વડાપ્રધાને કહ્યું કે ચૂંટણી પંચે ઘુસણખોરોને બહાર કાઢવા માટે પ્રક્રિયા શરૂ કરી છે, જ્યારે સોગંદનામામાં તેનો કોઈ ઉલ્લેખ નથી. તેજસ્વીએ સ્પષ્ટપણે કહ્યું કે, “અમે બિહારમાં મત ચોરી થવા દઈશું નહીં, અમે અહીં લોકશાહીનો અંત નહીં થવા દઈએ.”
તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે ચૂંટણી પંચ સમક્ષ ડેટા રજૂ કર્યો હતો, પરંતુ પંચે કોઈ જવાબ આપ્યો ન હતો. જ્યારે સરકારે આ જ પ્રકારની વાત કરી ત્યારે ચૂંટણી પંચે તેમની પાસે કોઈ સોગંદનામું માંગ્યું ન હતું. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ચૂંટણી પંચનો ઝુકાવ કઈ તરફ છે, તેમ તેજસ્વીએ ઉમેર્યું.