બિહાર ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનો પ્રહાર: ભાજપ પર મત ચોરીનો ગંભીર આરોપ
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સીધા ભાજપ પર આક્રમક હુમલો કર્યો છે. તેમણે ભાજપ પર મત ચોરીના ગંભીર આરોપ લગાવ્યા છે અને ચૂંટણી પ્રક્રિયા પર પણ પ્રશ્નચિહ્ન ઊભા કર્યા છે.
રાહુલ ગાંધી જણાવ્યું કે, “ભૂતકાળમાં જ્યારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ન હતા, ત્યારે આખો દેશ એક જ દિવસે મતદાન કરતો હતો. આજે જ્યારે ટેક્નોલોજી આગળ વધી ગઈ છે અને EVM જેવી તંત્ર વ્યવસ્થિત રીતે કામ કરે છે, ત્યારે ચૂંટણીમાં મહિનાઓ લાગે છે અને મતદાન અલગ અલગ તબક્કાઓમાં થાય છે. એવું કેમ?”
તેમણે શંકા વ્યક્ત કરી કે મતદાનના અલગ અલગ તબક્કાઓનો લાભ રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવે છે. “જ્યારે તબક્કાવાર મતદાન થાય છે, ત્યારે પહેલા તબક્કાના પરિણામો અને રાજકીય હવાલાઓનો પ્રભાવ બીજા તબક્કા પર પડે છે. આ કોંગ્રેસ માટે નહીં, પણ દેશના લોકતંત્ર માટે ઘાતક છે,” તેમ તેમણે જણાવ્યું.
રાહુલ ગાંધીએ એવો દાવો પણ કર્યો કે ચૂંટણી પંચનું વર્તન છેલ્લા કેટલાક વર્ષોથી પક્ષપાતપૂર્વકનું જણાય છે.
“એક સત્તાધારી પક્ષને લાભ પહોંચાડવા માટે ચૂંટણીની તારીખો, સમયગાળો અને મતગણતરી જેવી પ્રક્રિયાઓમાં અવ્યક્ત રીતે ફેરફાર કરવામાં આવે છે,” તેમ તેમણે આક્ષેપ કર્યો.
તેમણે દેશના લોકોને અને દરેક લોકશાહીપ્રેમી નાગરિકને સતર્ક રહેવા અપીલ કરી. “આ માત્ર ચૂંટણી નથી, આ દેશના લોકતંત્રની પરિક્ષા છે. જો આપણે આજે ચુપ રહી જઈશું, તો આવનારા સમયમાં મતદાન માત્ર એક ઔપચારિકતા રહી જશે,” તેમ તેઓએ કહ્યું.
આ પ્રેસ કોન્ફરન્સ રાજકીય રીતે મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે બિહાર સહિત અનેક રાજ્યોમાં આગામી મહિનાઓમાં ચૂંટણી યોજાવાની છે. રાહુલ ગાંધીના આ નિવેદનોથી રાજકીય ગરમાવો વધ્યો છે અને હવે એનડીએ તરફથી શું પ્રતિક્રિયા મળે છે તે જોવું રહેશે.