તેમના આગમન પહેલાં રાજકીય ચર્ચાઓ તેજ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં મળેલા આંચકા બાદ કોંગ્રેસે સંગઠનને ફરી મજબૂત બનાવવા નવા પ્રયાસો શરૂ કર્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે રાહુલ ગાંધી 26 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવશે. અહીં તેઓ શહેર અને જિલ્લા પ્રમુખોને તાલીમ આપનારા શિબિરમાં ઉપસ્થિત રહેશે.
સંગઠન સૃજન અભિયાન હેઠળ યોજાશે તાલીમ શિબિર
રાજ્યમાં શહેર અને જિલ્લાકક્ષાએ નવી નિમણૂક પામેલા હોદ્દેદારો માટે આ કાર્યક્રમ મહત્વનો છે. સંગઠન સૃજન અભિયાન હેઠળ જુના અને નવા કાર્યકરોને એક જ ધોરણે કાર્ય કરવા માટે તાલીમ આપશે. રાહુલ ગાંધી શિબિર દરમિયાન સંગઠનના કામકાજનું મૂલ્યાંકન પણ કરશે અને આગામી ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે.
જૂના નેતાઓ સામે અકળાયા ? ઘરભેગા કરવાના સંકેત
રાહુલ ગાંધી અગાઉ ગુજરાતના એક પ્રવાસ દરમિયાન એવું સૂચન આપ્યું હતું કે, “લગ્નના ઘોડા અને રેસના ઘોડા” વચ્ચે તફાવત કરવો જરૂરી છે – અર્થાત્ લાંબા સમયથી બેઠેલા પણ કાર્યરત ન રહેલા નેતાઓ સામે કદાચ હવે પગલાં લેવાશે. તેમ છતાં, હજુ સુધી કોઇ ખુલ્લું નિવેદન કે કાર્યવાહી સામે આવી નથી.
અગત્યની જાહેરાત માટે રાહ જોવાઈ રહી
આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા થવાની છે. રાજકીય વર્તુળોમાં એવો વિશ્વાસ છે કે વિસાવદર અને કડી જેવી પેટા ચૂંટણીઓમાં મળેલા ઝટકાને ધ્યાને રાખીને કોંગ્રેસ હવે સંગઠન કાર્યમાં નવી ઊર્જા લાવવાનો પ્રયાસ કરશે.
આવનારી ચૂંટણીનું સંકેત?
રાહુલ ગાંધીની આ મુલાકાત કોંગ્રેસ માટે ફક્ત તાલીમ કાર્યક્રમ પૂરતું નહિ, પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીના દિશા-નિર્દેશરૂપ પણ બની શકે છે. સંગઠનમાં નવા ઉત્સાહ અને તાજગી લાવવા માટે આ મુલાકાત અત્યંત નિર્ણાયક બની શકે છે.