‘જેટલીવાર આવશે એટલો જ ભાજપને લાભ થશે’
સુરત શહેરમાં એક સામાજિક પ્રસંગે ઉપસ્થિત થયેલા ઈફ્કોના અધ્યક્ષ તથા સહકારી ક્ષેત્રના નેતા દિલીપ સંઘાણીએ વિવિધ રાજકીય અને સહકારી મુદ્દાઓ પર પોતાની સ્પષ્ટ વાણીમાં મંતવ્ય આપ્યું હતું. ખાસ કરીને રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસ અંગે ટકોર કરતા તેમણે જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો જ ભાજપને લાભ થવાનો છે. ગુજરાતીઓ તેમના ભાષણનો આનંદ તો જરૂર લેશે, પણ અસર રાજકારણમાં નહીં પડે.”
અમિત ચાવડાની પસંદગી પર પણ શંકા
દિલીપ સંઘાણીએ આ પ્રસંગે રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, “રાહુલભાઈએ શા આધારે પસંદગી કરી છે એ તેઓ જ સારી રીતે જણાવી શકે. એ લગ્નના ઘોડા છે કે લંગડા ઘોડા – એ તેમના ભાષણો અને સંઘર્ષથી ખબર પડી જશે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, રાહુલ ગાંધીને “રાજકીય ઈતિહાસની સમજ નથી અને તેઓ માત્ર સલાહકાર દ્વારા લખાવેલા ભાષણો વાંચી જાય છે.”
રાજ ઠાકરેના નિવેદન પર પ્રતિસાદ
રાજ ઠાકરે દ્વારા સરદાર પટેલ વિશે આપેલા નિવેદન અંગે સંઘાણીએ જણાવ્યું કે, “સરદાર પટેલે દેશના અનેક રજવાડાઓને એકસાથે લાવીને ભારતને એકમાત્ર બનાવ્યું. જુનાગઢ અને હૈદરાબાદને જોડવાનો શ્રેય સરદારને જાય છે. એ વ્યક્તિઓ પર દયા આવે છે, જે એમના વિશે અપૂર્ણ અને સંકુચિત દ્રષ્ટિકોણથી નિવેદન આપે છે.”
કેજરીવાલની ગુજરાત મુલાકાત અંગે ટકોર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે પણ દિલીપ સંઘાણીએ કટાક્ષ કર્યો. “દિલ્લીમાં દારૂની નીતિ અને પંજાબમાં નશાની સ્થિતિ કેજરીવાલના શાસનને ઉઘાડી નાખે છે. ગુજરાતમાં તેમને કોઈ રાજકીય સમર્થન મળશે તે આશા વ્યર્થ છે.”
તેમણે ઉમેર્યું કે, “તેમણે ગીર સોમનાથ, સોમનાથ મંદિર અને સરદાર પટેલની પ્રતિમાના દર્શન તો કરવાં જ જોઈએ.”
દૂધના ભાવ અને પશુપાલકોની માગ મુદ્દે નિવેદન
સાબરડેરી અને પશુપાલકો વચ્ચેના વિવાદ પર સંઘાણીએ કહ્યું કે, “પશુપાલકોની માંગ યોગ્ય છે, પણ દૂધને રસ્તા પર ઢોળી દેવું એ કોઈ ઉકેલ નથી.”
તેમણે સરકારને આ મુદ્દે યોગ્ય તપાસ કરવા માટે જાણ કરી છે. “અન્ય રાજ્યોમાંથી દૂધ મંગાવીને પાવડર બનાવાય છે, જે વેચાતું નથી અને સ્થાનિક પશુપાલકોને નુકસાન થાય છે. સરકારે ચોક્કસ આંકડા જાહેર કરવા જોઈએ.”
દિલીપ સંઘાણીએ સમગ્ર વાતચીતમાં એવો સંદેશ આપ્યો કે, “ગુજરાતની જનતા આજે રાજકીય સમજદારી ધરાવે છે. ખાલી ભાષણોથી પરિણામ નથી આવતું.” તેમનો આશય સ્પષ્ટ હતો કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસોથી “BJPને નફો અને કોંગ્રેસને પ્રશ્નો” મળશે.