પીએમ મોદીની નકલ કરવા મુદ્દે ભાજપ આક્રમક: રાહુલ ગાંધીના વર્તનને ગણાવ્યું “શરમજનક અને ભયંકર અપમાન”
કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત ‘રચનાત્મક કોંગ્રેસ’ પરિષદ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, આ પ્રહાર દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદેશી નેતાઓને ગળે લગાડવાની શૈલીની મિમિક્રી (નકલ) કરી હતી, જેના કારણે દેશનું રાજકારણ ગરમાયું છે. ભાજપના અનેક વિરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીના આ વર્તનની સખત શબ્દોમાં નિંદા કરતા તેને શિષ્ટાચારની મર્યાદાઓનું ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું અપમાન ગણાવ્યું છે.
ભાજપ નેતાઓના આકરા પ્રહારો અને ટિપ્પણીઓ
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર રાહુલ ગાંધીનો વીડિયો શેર કરતાં તેમની માનસિક સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા અને અત્યંત તીખો પ્રહાર કર્યો હતો. બીજી તરફ, પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના એક રહસ્યમય પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે, “જેઓ ઊંચાઈ સુધી પહોંચવામાં અસમર્થ હોય છે, તેઓ અભદ્ર વર્તન પર ઉતરી આવે છે; અને જ્યારે દલીલોમાં પરાજય થાય છે, ત્યારે તેઓ તમામ શિષ્ટાચાર તોડી નાખે છે.”
રાજ્યસભા સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પણ આ ઘટના પર ગંભીર આપત્તિ દર્શાવી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, એક સાર્વભૌમ દેશના રાષ્ટ્રપતિ અને ભારતના વડા પ્રધાન વિશે આવી અભદ્ર ટિપ્પણીઓ કરવી એ વિપક્ષના નેતા પદની ગરિમા વિરુદ્ધ છે. આ પ્રકારનું વર્તન ભારતીય રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધો માટે અત્યંત શરમજનક છે.
રાજકીય અશ્લીલતા અને સંસ્કૃતિનો અભાવ: હિમંતા બિસ્વા શર્મા
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પણ આ મુદ્દે કોંગ્રેસના વંશવાદી નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું કે, કોંગ્રેસ નેતૃત્વએ ફરી એકવાર રાજકીય સભ્યો માટેના શિષ્ટાચારની તમામ હદો વટાવી દીધી છે. એક મિત્ર દેશના મહિલા નેતા વિશે કરવામાં આવેલી અશોભનીય ટિપ્પણીઓ પર સ્ટેજ પર અને પ્રેક્ષકોમાં બેઠેલી મહિલાઓ હસી રહી હતી, જે અત્યંત ખેદજનક છે. આ માત્ર રાજકીય અશ્લીલતા નથી, પરંતુ ભારતના વિદેશી સંબંધોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે. જ્યારે મહિલાઓનું અપમાન મનોરંજનનું સાધન બને છે, ત્યારે તે કોંગ્રેસની સંસ્કૃતિ વિશે ઘણું બધું કહી જાય છે.
રાહુલ ગાંધીમાં હતાશા અને નિરાશા સ્પષ્ટ દેખાય છે: પ્રહલાદ જોશી
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, રાહુલ ગાંધીમાં વિપક્ષના નેતા તરીકેની હતાશા અને નિરાશા સ્પષ્ટપણે છતી થાય છે. જ્યારે સત્ર દરમિયાન પરીક્ષાના પેપર લીક અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે વિપક્ષ પોતાની ગંભીરતા ગુમાવી ચૂક્યો હતો. લોકશાહી રીતે ચૂંટાયેલા વડા પ્રધાન સામે રાહુલ ગાંધી જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, તે સંસદીય મર્યાદાઓથી પર છે. ભારતીય રાજકારણમાં ટીકા કરતી વખતે પણ મૂળભૂત સંસ્કાર અને સભ્યતા જાળવવામાં આવે છે, પરંતુ રાહુલ ગાંધીમાં તેનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે.
દરમિયાન, શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર થયેલા હુમલા અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં નેતાઓએ આ ઘટનાની સખત શબ્દોમાં ટીકા કરી હતી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે તપાસના આદેશ આપ્યા હોવાનું ઉમેર્યું હતું.