રેલવેમાં નોકરીની તક, NTPC અને જુનિયર એન્જિનિયરની 5620 જગ્યાઓ માટે અરજીઓ આવતા અઠવાડિયે શરૂ
રેલવે ભરતી બોર્ડ (RRB) એ નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરી (NTPC – UG લેવલ) અને જુનિયર એન્જિનિયર (JE) પદો પર કુલ 5620 ભરતીઓ માટે અરજીઓ મંગાવી છે. જાણો કેવી રીતે કરવી અરજી…
રેલવે ભરતી બોર્ડ (RRB) એ ઉમેદવારો માટે બે મોટી ભરતીઓની જાહેરાત કરી છે. જે યુવાનોનું સપનું રેલવેમાં નોકરી કરવાનું છે, તેમના માટે આ સુવર્ણ તક છે. RRB NTPC (UG લેવલ) અને જુનિયર એન્જિનિયર (JE) ભરતી માટેની અરજી પ્રક્રિયા આવતા અઠવાડિયાથી શરૂ થઈ જશે. આ બંને ભરતીઓ હેઠળ કુલ 5620 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જાણો કેવી રીતે કરવી અરજી…
અરજીની તારીખો:
- NTPC ભરતી માટે 28 ઓક્ટોબરથી 27 નવેમ્બર 2025 સુધી અરજી કરી શકાશે.
- JE ભરતી માટે 31 ઓક્ટોબરથી 30 નવેમ્બર 2025 સુધી rrbapply.gov.in પર ઓનલાઈન અરજી કરી શકાશે.
જેમાં NTPCની 3050 અને JEની 2570 જગ્યાઓનો સમાવેશ થાય છે.

RRB NTPC UG લેવલ ભરતી 2025: શું છે વય મર્યાદા?
NTPC ભરતીમાં અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. આ ભરતીમાં કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ટ્રેન ક્લાર્ક, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ અને જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ જેવા પદોનો સમાવેશ થાય છે.
લાયકાત શું જોઈએ?
લાયકાત માટે ઉમેદવાર ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે 12મું પાસ હોવો જરૂરી છે, જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે માત્ર 12મું પાસ હોવું પર્યાપ્ત છે. ટાઇપિસ્ટ પદો માટે કમ્પ્યુટર પર અંગ્રેજીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ અથવા હિન્દીમાં 25 શબ્દો પ્રતિ મિનિટની ટાઇપિંગ સ્પીડ ફરજિયાત છે.
શું છે પસંદગીની પ્રક્રિયા?
પસંદગી પ્રક્રિયામાં બે તબક્કાની કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT 1 અને CBT 2) હશે. ટાઇપિંગવાળા પદો માટે વધારાનો સ્કિલ ટેસ્ટ પણ લેવામાં આવશે. દરેક ખોટા જવાબ પર 1/3 માર્કનું નેગેટિવ માર્કિંગ રહેશે.

RRB JE ભરતી 2025: એન્જિનિયરો માટે સુવર્ણ અવસર
JE ભરતી માટે ઉમેદવાર પાસે સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અથવા ટેલિકમ્યુનિકેશનમાં ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો જોઈએ. IT પદો માટે BCA, PGDCA અથવા DOEACC B લેવલના ઉમેદવારો પણ અરજી કરી શકે છે. વય મર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવી છે.
કેવી રીતે થશે પસંદગી?
પસંદગી પ્રક્રિયામાં બે તબક્કાની CBT પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટનો સમાવેશ થશે. CBT 1માં 100 પ્રશ્નો અને CBT 2માં 150 પ્રશ્નો હશે. અરજીની ફી સામાન્ય વર્ગ માટે ₹500 છે (જેમાંથી ₹400 પરીક્ષામાં હાજર રહેવા પર પરત કરવામાં આવશે), જ્યારે SC/ST, મહિલાઓ અને EWS વર્ગ માટે ₹250 ફી નક્કી કરવામાં આવી છે, જે પરીક્ષામાં સામેલ થવા પર સંપૂર્ણપણે પરત કરી દેવામાં આવશે.

